Should a sports bra be worn while exercising or simple
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કસરત કરતી વખતે સ્પોર્ટ્સ બ્રા પહેરવી જોઈએ કે સાદી? 

કસરત કરતી વખતે સ્પોર્ટ્સ બ્રા પહેરવી જોઈએ કે સાદી? 

 | 6:48 pm IST
  • Share

હેલ્થ :- માખન ધોળકિયા

એવી માન્યતા છે કે જે છોકરીઓ, મહિલાઓ સ્પોર્ટ્સમાં હોય તેમણે સ્પોટ્ર્સ બ્રા પહેરવી પડે. સામાન્ય મહિલાઓ માટે એ જરૂરી નથી. સાચી વાત એ છે કે તમે જે પ્રકારનું કામ કરતા હોવ એ પ્રમાણેનાં તમારાં વસ્ત્રો હોવાં જ જોઈએ. સાડી પહેરીને બેડમિન્ટન કે ટેનિસ ન રમી શકાય. ચણીયાચોળી પહેરીને યોગ કરવા એ યોગ્ય નથી. એ જ રીતે તમારે કસરત વખતે પણ ખાસ જાતનાં વસ્ત્રો પહેરવાં જોઈએ. એમાં જ સ્પોર્ટ્સ બ્રા પણ આવી જાય છે. વાસ્તવમાં જો તમે દોરડાં કૂદતા હોવ કે ટ્રેડમિલ ઉપર દોડતા હોવ, બહાર રનિંગ ટ્રેક ઉપર દોડતા હોવ કે એરોબિક્સ અને યોગાસનો કરતા હોવ તો તમારે સ્પોટ્ર્સ બ્રા જરૂર પહેરવી જોઈએ. એનું કારણ એ છે કે સ્પોટ્ર્સ બ્રા ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવી હોય છે. એમાં દરેક કસરત વખતે તમારા શરીરની હિલચાલને ધ્યાનમાં રાખીને તમારી બ્રેસ્ટને જરૂરી સપોર્ટ મળી રહે છે.

તમે જ્યારે કસરત કરતા હોવ ત્યારે તમારું શરીર જુદી જુદી દિશામાં જાતજાતની હિલચાલ કરતું રહે છે. હિલચાલની સ્પીડ પણ દરેક કસરત વખતે જુદી જુદી હોય છે. આ હિલચાલ શરીરના દરેક સ્નાયુને ખેંચાણ આપે એ માટે જરૂરી હોય છે, પરંતુ તમારી બ્રેસ્ટમાં કોઈ સ્નાયુઓ હોતા નથી. હા, કૂપર્સ લિગામેન્ટ કહેવાતા સાવ નરમ ઈલાસ્ટિક જેવાં બંધન હોય છે જે બ્રેસ્ટને આકાર આપે છે અને બ્રેસ્ટને ઉન્નત રાખે છે. ઈલાસ્ટિક જેવા નરમ અને ખેંચાય એવા હોવા છતાં એ સ્થિતિસ્થાપક હોતા નથી. તે સ્નાયુઓ જેવા મજબૂત પણ હોતા નથી. આ લિગામેન્ટ્સની નબળાઈ એ છે કે તે ખેંચાઈ જાય તો ઈલાસ્ટિકની જેમ પાછા મૂળ સ્વરૂપમાં આવીને બ્રેસ્ટના ઉભારને તરત સપોર્ટ કરી શકતા નથી.

બ્રેસ્ટના મૂળમાં ચેસ્ટના સ્નાયુઓ હોય છે એ જ બ્રેસ્ટને અંદરથી મૂળમાં પકડ આપે છે. બ્રેસ્ટનો બાકીનો ભાગ નરમ દુગ્ધગ્રંથિઓ, તેની નળીઓનાં ગૂંચળાં અને વિશેષ પ્રકારની ચરબીના કોષ વડે બને છે.

જ્યારે તમેે કસરત કરતા હોવ ત્યારે શરીર જુદી જુદી દિશામાં જે હિલચાલ કરે એના આંચકા અને ખેંચાણ બ્રેસ્ટના આ નરમ કોષ અને દુગ્ધગ્રંથિઓને લાગે છે. એ સ્નાયુઓથી રક્ષણ મેળવતી ન હોવાથી શરીરના આંચકા એને સ્વતંત્ર રીતે હિલચાલ કરાવે છે. એ શી રીતે આંચકો લેશે અને કઈ બાજુ ખેંચાશે એનું ધ્યાન કસરત વખતે રાખી શકાતું નથી. એટલે કસરત વખતના આંચકા બ્રેસ્ટના નાજુક જથ્થાને નુકસાન કરી શકે. ખાસ કરીને ચેસ્ટ સાથે એ જ્યાં જોડાય છે એ જગ્યાએ સ્નાયુઓ ન હોવાથી માત્ર ગ્રંથિઓ અને ચામડી જ તેને સપોર્ટ કરે છે. કસરતના બધા આંચકા આ ગ્રંથિઓ અને ચામડી ઉપર આવતાં બંને જગ્યાએ નુકસાન થઈ શકે.

સામાન્ય બ્રા પહેરવાથી તમારી બ્રેસ્ટને જરૂરી સપોર્ટ મળી જાય છે, પરંતુ એની રચના તમારી બ્રેસ્ટને સપોર્ટ આપવાની સાથે તમારી બ્રેસ્ટને ઉભાર આપી તમારા દેખાવમાં આકર્ષણ ઉમેરવા માટે કરવામાં આવી હોય છે. તેથી એ કસરત વખતના બ્રેસ્ટના આંચકાને પૂરેપૂરા નાબૂદ કરતી નથી. વળી સામાન્ય બ્રામાં એક યા બીજી રીતે દોરી કે પટ્ટીનું બંધન હોય છે જે બ્રાના કપને તમારી ચેસ્ટ અને ખભા સાથે જોડી રાખે છે. આ બંધન કસરત વખતની હિલચાલના કારણે ચેસ્ટ તથા ખભાના સ્નાયુઓ પર આવનાર ખેંચાણમાં અગવડ કરીને નુકસાન પહોંચાડે છે. આ ખભા પટ્ટી અને બ્રેસ્ટની નીચેનો પટ્ટો ખભાનો દુખાવો લાવી શકે. ચામડી છોલી શકે, બ્રેસ્ટની નીચે જ્યાં પટ્ટો આવે છે ત્યાં દુખાવો કરી શકે. પરસેવાની ભરમાર કરી ચામડી પર ડાઘ પાડી શકે.

કસરત માટે પાયાનો નિયમ છે કે તેમાં તમારા શરીરનો કોઈ ભાગ બંધાયેલો ન હોવો જોઈએ. શરીરના બધા જ સ્નાયુ મુક્ત રીતે હલનચલન કરી શકે એ જરૂરી હોય છે. માટે જ કસરતમાં બંધન વગરનાં ઢીલાં વસ્ત્રો પહેરવામાં આવે છે. સામાન્ય બ્રા બંધન વગરની હોતી નથી. તેથી કસરતમાં સામાન્ય બ્રા ન પહેરી શકાય. બ્રા વગર કસરત કરો તો આખા શરીરની જેમ બ્રેસ્ટને પણ કોઈ બંધન ન રહે. બ્રેસ્ટ માટે આ સ્થિતિ ઈચ્છનીય નથી. આગળ આપણે જોયું તેમ એને મુક્ત આંચકા લાગવાથી એના મૂળના ભાગે ચામડી તથા નરમ કોષો નુકસાન પામી શકે. એના કારણે કસરત કર્યા પછી બ્રેસ્ટમાં દુખાવો થઈ શકે. ચામડી ખેંચાઈને સ્ટ્રેચ માર્ક થઈ શકે અને બ્રેસ્ટની ચામડી ખેંચાણ પામતી રહે તો તે ઉન્નત રહેવાને બદલે ઢીલી પડીને નીચેની દિશામાં ઢળી શકે. આ નુકસાન નાબૂદ કરવા માટે સ્પોર્ટ્સ બ્રા પહેરવાની ભલામણ કરવામાં આવે છે.

યુનિવર્સિટી ઓફ પોર્ટસમાઉથના વિજ્ઞાનીઓએ બ્રેસ્ટ અને બ્રા ઉપર કરેલા અનેક વર્ષના અભ્યાસ પછી કેટલીક બાબતો જાણવા મળી છે. તેના વિશે આવતા અંકમાં માહિતી મેળવીશું.

  • ક્રમશઃ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન