- શિવપૂજામાં શંખ ભૂલથી પણ ન વાપરવો
- શિવપુરાણઃ મહાદેવને શંખથી જળ કે દૂધ ચઢાવવું નહીં
- શિવપૂજા અને શંખ સાથે જોડાયેલી છે પૌરાણિક કથા
હિંદુ ધર્મમાં દરેક દેવી દેવતાના પૂજનના કેટલાક વિશેષ નિયમ હોય છે. જે રીતે ભગવાન વિષ્ણુને શંખ અતિ પ્રિય છે અને શંખથી જળ અર્પણ કર્યા બાદ વિષ્ણુ પ્રસન્ન થાય છે તેમ ભગવાન શિવની પૂજામાં બનતું નથી. આ પૂજામાં શંખનો ઉપયોગ કરાતો નથી. ધાર્મિક રીતે શંખ પવિત્ર માનવામાં આવે છે. કોઈ પણ પૂજામાં આરતી બાદ શંખના જળને ભક્તો પર છાંટવામાં આવે છે. શિવપૂજામાં શંખનો ઉપયોગ કરાતો નથી. શિવપૂજામાં શંખ ન વગાડવાનું કારણ પણ શિવપુરાણમાં જોવા મળે છે.
પુત્ર પ્રાપ્તિનું વરદાન
શિવપુરાણની કથાના અનુસાર દૈત્યરાજ દંભને કોઈ સંતાન ન હતું. તેને સંતાન પ્રાપ્તિને માટે ભગવાન વિષ્ણુની તપસ્યા કરી હતી. દૈત્યરાજના કઠોર તર બાદ ભગવાન વિષ્ણુએ તેમને વરદાન માંગવાનું કહ્યું. આ સમયે દંભે મહાપરાક્રમી પુત્રનું વરદાન માંગ્યું. વિષ્ણુજી તથાસ્તુ કહીને અંતર્ધાન થઈ ગયા. આ પછી દંભના ત્યાં પુત્રનો જન્મ થયો અને તેનું નામ શંખચુડ રાખવામાં આવ્યું.

શંખચૂડે કર્યું ઘોર તપ
શંખચૂડે પુષ્કરમાં બ્રહ્માજીને ખુશ કરવા માટે ઘોર તપ કર્યું. તેનાથી પ્રસન્ન થઈને બ્રહ્મદેવે વરદાન માંગવા કહ્યું, શંખચૂડે માંગ્યું કે તે દેવતાઓ માટે અજેય બની જાય. બ્રહ્માજીએ તથાસ્તુ કહીને તેને શ્રીકૃષ્ણકવચ આપ્યું. આ પછી બ્રહ્માજીએ શંખચૂડની તપસ્યાથી પ્રસન્ન થઈને તેને ધર્મધ્વજની કન્યા તુલસી સાથે વિવાહ કરવાની આજ્ઞા આપી અને તે અંતર્ધાન થયા. બ્રહ્માની આજ્ઞાથી તુલસી અને શંખચૂડના વિવાહ પણ સંપન્ન થયા.
શિવજી પણ વધ કરવામાં અસફળ રહ્યા
બ્રહ્માજીનું વરદાન મળ્યા બાદ શંખચૂડમાં અહમ આવ્યો અને તેને ત્રણ લોકમાં પોતાનું સ્વામિત્વ સ્થાપિત કર્યું. શંખચૂડથી ત્રસ્ત થઈને દેવતાઓએ વિષ્ણુજીની પાસે મદદ માંગી પણ ભગવાન વિષ્ણુએ પોતે દંભ પુત્રનું વરદાન આપી રાખ્યું હતું. આ માટે વિષ્ણુજીએ શંકરની આરાધના કરી આ પછી શિવજીને દેવતાની રક્ષા માટે પ્રયાણ કર્યું પણ શ્રીકૃષ્ણ કવચ અને તુલસીના પતિવ્રત ધર્મના કારણે શિવજી પણ તેનો વધ કરવામાં સફળ રહ્યા નહીં.
હાડકાથી થયો હતો શંખનો જન્મ
આ પછી વિષ્ણુજીએ બ્રાહ્મણ રૂપ ધારણ કર્યું અને દૈત્યરાજની પાસે તેમનું શ્રીકૃષ્ણકવચ દાનમાં લઈ લીધું. શંખચૂડનું રૂપ ધારણ કરીને તુલસીના શીલનું હરણ કર્યું. આ પછી ભગવાન શિવે પોતાના ત્રિશુલથી શંખચૂડનો વધ કર્યો, માન્યતા છે કે તેના હાડકાથી શંખનો જન્મ થયો અને તે વિષ્ણુજીનો પ્રિય ભક્ત હતો. આ કારણ છે કે વિષ્ણુને શંખથી જળ ચઢાવવાનું શુભ માનવામાં આવે છે, જ્યારે ભગવાન શંકરનો તેણે વધ કર્યો હતો આ માટે શંકરની પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત છે.