• ઉત્તરાખંડના રુદ્રપ્રયાગનાં મુખ્ય સ્થાનોમાં એક છે મંદિર
  • ભગવાન શિવ અને દેવી પાર્વતીનું અતૂટ બંધન હોવાની માન્યતા
  • મંદિરની જ્યોતની ભસ્મથી વિવાહિત જોડા મેળવે છે આર્શીવાદ

ભારતના ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગીનારાયણ ગામ ખાતે ભગવાન શિવ-પાર્વતીનું મંદિર આવેલું છે. આ મંદિરને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. પૌરાણિક કથા અને શાસ્ત્રો મુજબ આ સ્થળે જ શિવ-પાર્વતીના વિવાહ થયા હતા. આ મંદિર સાથે અનેક પ્રકારની કથાઓ જોડાયેલી છે, તો આવો મંદિરની વિશેષતા, મંદિરનું બંધારણ, દર્શનનો સમય વગેરે વિશે માહિતી મેળવીએ.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગનાં મુખ્ય સ્થાનોમાં એક ત્રિયુગીનારાયણ સ્થળ છે. જ્યાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું મંદિર છે. આ મંદિરને મોટાભાગના લોકો ત્રિયુગીનારાયણ મંદિરના નામે જ ઓળખે છે. આ મંદિર માટે માનવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીનું અતૂટ બંધન જોડાયેલું છે. આ જ સ્થળે શિવ-પાર્વતીનો વિવાહ સંપન્ન થયો હતો, તે વાતની સાબિતી માટે અહીં કુંડ આજે પણ હાજર છે.

વિષ્ણુકુંડ અને સ્તંભ

માતા પાર્વતીનાં લગ્ન જ્યારે શિવ સાથે થવાનાં હતાં, તે સમયે ભગવાન વિષ્ણુએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વિષ્ણુ ભગવાને પાર્વતીમાતાને પોતાની બહેન બનાવી હતી અને ભાઈ તરીકેની દરેક ફરજ બજાવી હતી. ભાઈ તરીકે લગ્ન વિધિમાં ભાગ લેવા માટે લગ્ન પહેલાં સ્નાન કરવા ભગવાન વિષ્ણુએ જે કુંડમાં સ્નાન કર્યું તે કુંડને વિષ્ણુકુંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ સ્થળે બીજો પણ એક કુંડ છે, જ્યાં લગ્નમાં હાજર રહેનાર અન્ય દેવી-દેવતાઓએ સ્નાન કર્યું હતું, તે કુંડને રુદ્રકુંડ નામથી ઓળખવામાં આવે છે તથા આ સ્થળે કુંડની સાથે એક સ્તંભ બનાવવામાં આવ્યો છે, આ સ્તંભ નદીને બાંધવામાં આવ્યો હતો.

હવનકુંડ અને બ્રહ્મકુંડ

આ મંદિરમાં આજે પણ એક હવનકુંડ આવેલો છે, જેની જ્યોત પ્રજ્વલિત છે. આ હવનકુંડમાં પ્રસાદીના સ્વરૂપે લાકડીઓ ચઢાવવામાં આવે છે, અને લોકો આ હવનકુંડની રાખને ઘરે લઈ જાય છે. આ હવનકુંડને વિશે એવું માનવામાં આવે છે કે આ જ હવનકુંડની સાક્ષીએ જ ભગવાન શિવ અને પાર્વતીના સાત ફેરા થયા હતા. આ ઉપરાંત અહીં એક બ્રહ્મકુંડ પણ આવેલો છે. બ્રહ્માજી ભગવાન શિવ અને પાર્વતી માતાનાં લગ્ન કરાવવા માટે આવ્યા હતા તથા બ્રહ્માજીએ શિવ-પાર્વતીનાં લગ્ન પહેલાં બ્રહ્મકુંડમાં સ્નાન કર્યું હતું. ત્યારબાદ શિવ-પાર્વતીનાં લગ્ન કરાવ્યાં હતાં. તેથી આ કુંડને બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવે છે. બ્રહ્મકુંડને લોકો ખૂબ જ પવિત્ર માને છે. તેની સાથે માને છે કે આ કુંડમાં સ્નાન કરવાથી બ્રહ્માજીના આશીર્વાદ મળે છે.

મંદિર સાથે જોડાયેલી માન્યતા

મંદિરમાં પ્રજ્વલિત અગ્નિ ઘણા યુગોથી પ્રજ્વળે છે. તેના કારણે આ સ્થળનું નામ ત્રિયુગી રાખવામાં આવ્યું છે. આ સ્થળ હિમાલયની રાજધાની છે. જ્યાં શિવ-પાર્વતીના વિવાહમાં વિષ્ણુએ પાર્વતીના ભાઈ બનીને, ભાઈની દરેક ફરજ બજાવી હતી તથા આ લગ્નમાં બ્રહ્માજી પુરોહિત બન્યા હતા તથા તે સમયે સંત-મુનિઓના આ સમારોહમાં ભાગ લીધો હતો.

વિવાહના નજીકના સ્થળને બ્રહ્માશિલા કહેવામાં આવે છે

વિવાહ પહેલાં ઉપસ્થિત રહેલાં દેવી-દેવતાઓએ જે કુંડમાં સ્નાન કર્યું તે આજે પણ હાજર છે. બ્રહ્માજીએ સ્નાન કર્યું તેને બ્રહ્માકુંડ. વિષ્ણુએ સ્નાન કર્યું તેને વિષ્ણુકુંડ તથા અન્ય દેવોએ સ્નાન કર્યું તેને રુદ્રકુંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય કુંડમાંથી પાણી સરસ્વતી કુંડમાંથી આવે છે. સરસ્વતી કુંડનું નિર્માણ વિષ્ણુની નાસિકા સાથે જોડાયેલ છે. માનવામાં આવે છે કે જેને સંતાન ન હોય અને તે આ કુંડમાં સ્નાન કરે તો સંતાન પ્રાપ્ત થાય છે. વિવાહિત વર-વધૂ આ મંદિરમાંથી પ્રજ્વલિત જ્યોતિની ભસ્મ પોતાના માથે લગાવીને થોડી પોતાની પાસે રાખે તો તેઓને ભગવાન શિવ અને દેવી પાર્વતીનો આશીર્વાદ મળે છે.

વેદોમાં ઉલ્લેખ છે કે ત્રિગુણીનારાયણ મંદિર ત્રેતાયુગથી સ્થાપવામાં આવેલું છે. જ્યારે કેદારનાથ અને બદરીનાથ દ્વાપરયુગમાં સ્થાપવામાં આવેલાં મંદિર છે. આ ઉપરાંત માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ વામન દેવનો અવતાર લીધો હતો.

મંદિરનું બંધારણ

આ મંદિરનું બંધારણ કેદારનાથના મંદિરની સ્થાપત્ય શૈલીમાં બનાવેલું છે. આદિ શંકરાચાર્ય દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની એટલે કે નારાયણની ૨ ફૂટ લાંબી છબીનાં દર્શન થાય છે તથા દેવી લક્ષ્મી અને જ્ઞાનની દેવી સરસ્વતીનાં દર્શન થાય છે. મંદિરનું બાંધકામ લાકડાના ઉપયોગથી કરવામાં આવ્યું છે તથા વિવિધ પ્રકારના કુંડ અને દેવી-દેવતાનાં મંદિર બનાવવામાં આવ્યાં છે.

મંદિરનો સમય

સવારે ૬:૦૦ વાગ્યાથી

સાજે ૭:૦૦ વાગ્યા સુધી

કેવી રીતે જશો?

રુદ્રપ્રયોગ જવા માટે તમે બસ કે ટ્રેન દ્વારા જઈ શકો છો. ટ્રેનમાં જવા માટે તમે પહેલાં ઋષિકેશ પહોંચો ત્યારબાદ ત્યાંથી બસ, ગાડી દ્વારા રુદ્રપ્રયાગ પહોંચો અને ત્યાંથી ત્રિયુગીનારાયણ જવા માટે તમને ખાનગી વાહનો મળી રહેશે તથા બસ મારફતે પણ જઈ શકો છો. 

  • Follow us on: