shreyas iyer discloses how suryakumar yadav backed him in tough times
  • Home
  • Sports
  • Cricket
  • સૂર્યકુમાર યાદવ ન હોત તો કદાચ શ્રેયસ અય્યર ટીમમાં ન હોત!

સૂર્યકુમાર યાદવ ન હોત તો કદાચ શ્રેયસ અય્યર ટીમમાં ન હોત!

 | 10:10 am IST
  • Share

  • સૂર્યકુમાર યાદવે બીસીસીઆઈ ટીવી માટે લીધો શ્રેયસનો ઈન્ટરવ્યુ

  • ઈન્ટરવ્યુમાં શ્રેયસે સૂર્યકુમાર સાથેના તેના ખાસ સંબંધ વિશે ખુલીને વાત કરી

કાનપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ડેબ્યૂ કરી રહેલા ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે સદી ફટકારવાની સાથે જ તે ડેબ્યૂમાં ટેસ્ટ સદી ફટકારનાર 16મો ભારતીય બન્યો. શ્રેયસે 171 બોલમાં 105 રન બનાવ્યા. જેની સાથે ભારતે પ્રથમ દાવમાં 345 રન બનાવ્યા હતા. ઈજાગ્રસ્ત કેએલ રાહુલની જગ્યાએ આ ટેસ્ટ માટે સૂર્યકુમાર યાદવને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ભલે યાદવને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી ન હતી, પરંતુ તે મેચ દરમિયાન તેના ખાસ મિત્ર શ્રેયસને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા.

કાનપુર ટેસ્ટના બીજા દિવસની રમત સમાપ્ત થયા પછી, સૂર્યકુમારે BCCI ટીવી માટે શ્રેયસ અય્યરનો રમુજી ઇન્ટરવ્યુ લીધો. જેમાં અય્યરે જણાવ્યું કે કેવી રીતે સૂર્યકુમારે રણજી ટ્રોફીમાં મુંબઈ માટે તેના શરૂઆતના દિવસોમાં તેમને ટેકો આપ્યો હતો. બીસીસીઆઈએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘તેમણે શ્રેયસને ગળે લગાવ્યો, તેમણે તાળીઓ પાડી, તે સૌથી વધુ ખુશ હતા, જ્યારે તેમના સાથી ખેલાડીએ ડેબ્યૂમાં સદી ફટકારી. @surya_14kumar સાથે @ShreyasIyer15 નો આ ઇન્ટરવ્યુ હૃદયસ્પર્શી છે.’

શ્રેયસનું કાનપુર સ્ટેડિયમ સાથે ખાસ કનેક્શન

આ ઈન્ટરવ્યુમાં શ્રેયસે સૂર્યકુમાર સાથેના તેમના સંબંધો અને કાનપુર સ્ટેડિયમ સાથેના તેમના કનેક્શન વિશે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું, ‘આ સ્ટેડિયમ મારા માટે ખૂબ નસીબદાર રહ્યું છે અને મારી પ્રથમ રણજી સીઝન સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં હતી. પ્રથમ ચાર ઇનિંગ્સ પછી મને સપોર્ટ કરવા બદલ હું તેમનો આભાર માનું છું. મને લાગ્યું કે મને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે. પણ તેમણે મારો સાથ આપ્યો.’

સાથે જ શ્રેયસે કાનપુરમાં રમાયેલી એક જૂની મેચનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં મુંબઈએ 20 કે 30 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી અને આ મેચમાં શ્રેયસે ટેલ બેટ્સમેનો સાથે 150 રનની ભાગીદારી નોંધાવી હતી અને ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી હતી. એવામાં શ્રેયસે આ મેદાનને પોતાના માટે અત્યાર સુધીના સૌથી નસીબદાર મેદાનમાંથી એક ગણાવ્યું.

ટેસ્ટ ડેબ્યુ વિશે શ્રેયસે કહ્યું, ‘ટેસ્ટ ક્રિકેટ રમવું હંમેશા મારું સપનું રહ્યું છે. હું ખરેખર ખુશ છું અને ડેબ્યૂમાં સદી ફટકારી રહ્યો છું. આનાથી સારું બીજું કંઈ ન હોઈ શકે. આ વિશ્વની સૌથી શ્રેષ્ઠ લાગણી છે.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો