Spinner Akshar Patel achieved a five-wicket haul for the fifth time in the fourth match
  • Home
  • Sports
  • સ્પિનર અક્ષર પટેલે ચોથી મેચમાં પાંચમી વખત ફાઇવ વિકેટ હોલની સિદ્ધિ મેળવી

સ્પિનર અક્ષર પટેલે ચોથી મેચમાં પાંચમી વખત ફાઇવ વિકેટ હોલની સિદ્ધિ મેળવી

 | 7:40 am IST
  • Share

  • રેકોર્ડ બુક કેલેન્ડર વર્ષમાં એક જ ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ ડાબોડી સ્પિનર 

  • વિલ યંગના આઉટ થયા બાદ ભારતીય બોલર્સે સમયાંતરે વિકેટો ઝડપી

ભારતીય સ્પિનર અક્ષર પટેલે કાનપુર ટેસ્ટના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને સતત દબાણ હેઠળ રાખ્યા હતા. કારકિર્દીની માત્ર ચોથી ટેસ્ટ રમી રહેલા અક્ષરે સિરીઝની પ્રથમ મેચમાં પાંચ વિકેટ ઝડપીને ન્યૂઝીલેન્ડને ઓલઆઉટ કરવામાં ભારત માટે મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. ટેસ્ટ કારકિર્દીમાં અક્ષરની આ પાંચમી વખત પાંચ વિકેટ હોલ છે. પ્રારંભિક ચાર ટેસ્ટમાં ભારતીય ખેલાડી તરીકે સૌથી વધારે વખત પાંચ વિકેટ ઝડપવાનો રેકોર્ડ અક્ષરના નામે છે. આ યાદીમાં બીજા ક્રમે લેગ સ્પિનર નરેન્દ્ર હિરવાણી છે. હિરવાણીએ ટેસ્ટ કારકિર્દીની શરૂઆતની ચાર મેચમાં ત્રણ વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. 27 વર્ષીય અક્ષર કેલેન્ડર વર્ષમાં ભારતની ધરતી ઉપર ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ ડાબોડી સ્પિનર પણ બન્યો છે.

2021ની શરૂઆતમાં અક્ષરે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યો હતો. તેણે ત્રણ મેચ રમીને કુલ 27 વિકેટ પોતાના નામે કરી હતી. એક જ સિરીઝમાં હાઇએસ્ટ વિકેટ ઝડપવાના મામલે અક્ષરે ભારતના ભૂતપૂર્વ સ્પિનર દિલીપ દોશીના ભારતીય રેકોર્ડની બરોબરી કરી હતી.  દોશીએ 1979માં ઓસ્ટ્રેલિયા સામેની છ ટેસ્ટમાં  સિદ્ધિ મેળવી હતી. જોકે અક્ષરે ત્રણ મેચનો સમય લીધો હતો.

સૌથી ઓછી ઇનિંગમાં પાંચ વિકેટ હોલનો રેકોર્ડ

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં પાંચ વિકેટ હોલનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પેસ બોલર રોડની હોગના નામે હતો જેણે આ સિદ્ધિ છ વખત મેળવી હતી. બીજા ક્રમાંકે ચાર્લી ટર્નર, ટોમ રિચાર્ડસન તથા અક્ષર પટેલ છે. આ તમામ ત્રણેય બોલર્સે આ સિદ્ધિ એક સમાન સાત-સાત ઇનિંગ્સમાં મેળવી છે.

પટેલનો પંચ, ન્યૂઝીલેન્ડ 296માં સમેટાયું

ડાબોડી સ્પિનર અક્ષર પટેલ (5/62) અને ઓફ સ્પિનર અશ્વિને (3/82) સંયુક્ત રીતે આઠ વિકેટ ઝડપતા ભારતે કાનપુર ટેસ્ટના ત્રીજા દિવસની રમત દરમિયાન પ્રવાસી ન્યૂઝીલેન્ડની ટીમને તેના પ્રથમ દાવમાં 296 રનના સ્કોરે ઓલઆઉટ કરીને પ્રથમ દાવના આધારે 49 રનની લીડ મેળવી હતી. એક સમયે ન્યૂઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં હતું અને વિના વિકેટે 151 રન બનાવી લીધા હતા પરંતુ વિલ યંગના (89) આઉટ થયા બાદ ભારતીય બોલર્સે સમયાંતરે વિકેટો ઝડપી હતી. ભારતના બીજા દાવની શરૂઆત સારી રહી નહોતી અને શુભમન ગિલની (3) વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટમ્પના સમયે ભારતે એક વિકેટે 14 રન બનાવીને કુલ લીડ 63 રનની કરી હતી. મયંક અગ્રવાલ ચાર તથા પૂજારા નવ રને રમી રહ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો