• ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયામાં પસંદગી
  • ટીમનો ભાગ બનવા જાડેજાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
  • રવિન્દ્ર જાડેજા છેલ્લા 5 મહિનાથી ટીમ ઈન્ડિયાની બહાર

ગયા વર્ષે એશિયા કપમાં થયેલી ઈજાને કારણે રવિન્દ્ર જાડેજા છેલ્લા 5 મહિનાથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો હતો. હવે તે પાછા ફરવાના માર્ગે છે. તે 2 દિવસ પછી ટીમ સાથે જોડાશે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી મેદાન પર કમબેક કરવા માટે પુરી તાકાત લગાવી દીધી છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ 2 ટેસ્ટ મેચ માટે તેને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.


ક્રિકેટ મેદાનમાં જાડેજાનું કમબેક

રવિન્દ્ર જાડેજા રણજી ટ્રોફીની આ સિઝનમાં ટીમ સૌરાષ્ટ્રની ટીમ સાથે જોડાઈ ગયો છે અને બે દિવસ પછી રણજી ટ્રોફીની આ સિઝનમાં ટીમના એલિટ ગ્રુપની છેલ્લી મેચમાં રમતો જોવા મળશે. જાડેજાની આગામી મહિને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી 4 ટેસ્ટ શ્રેણીની પ્રથમ 2 મેચ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. પરંતુ, તેનું રમવું ફિટનેસ પર નિર્ભર રહેશે. આવી સ્થિતિમાં જાડેજા ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા મેચ ફીટ થવા માંગે છે. તેથી, ફિટનેસ ટેસ્ટ પહેલા, તે 24 જાન્યુઆરીથી શરૂ થનારી રણજી ટ્રોફીની એલિટ-ગ્રુપ B મેચમાં તમિલનાડુ સામે રમશે.

સૌરાષ્ટ્રની ટીમમાં જાડેજાનો સમાવેશ

જાડેજા ઉપરાંત જયદેવ ઉનડકટ અને ચેતેશ્વર પૂજારાનો પણ સૌરાષ્ટ્રની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના કોચ નીરજ ઓડેરાએ જણાવ્યું હતું કે, 'તેમની ટ્રેનિંગ અને વર્કલોડ મેનેજમેન્ટ નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રોટોકોલ મુજબ હશે. વાસ્તવમાં, મેં જાડેજાને એક વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો, જેમાં કહ્યું હતું કે યુવાઓ જાડેજાના ટીમમાં સામેલ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેણે મને જવાબ આપ્યો કે હું પોતે લાંબા સમયથી ટીમ સાથે જોડાવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. જાડેજાને સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફી મેચ રમ્યાને ઘણો સમય થઈ ગયો છે. કોચે કહ્યું કે જાડેજાના ટીમમાં સમાવેશથી યુવા ખેલાડીઓનું મનોબળ વધશે.


5 મહિનામાં જાડેજાની પ્રથમ મેચ

છેલ્લા 5 મહિનામાં જાડેજાની આ પ્રથમ મેચ હશે. તેણે ભૂતકાળમાં તેની ટ્રેનિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. 34 વર્ષીય જાડેજા ગયા વર્ષે એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. હોંગકોંગ સામેની મેચ બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ પછી તેની સર્જરી થઈ. ઈજાના કારણે તે T20 વર્લ્ડ કપ 2022માંથી પણ બહાર થઈ ગયો હતો. જાડેજાનો ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ 2 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, તે ત્યારે જ ટીમનો ભાગ બની શકશે જ્યારે તે ફિટનેસ ટેસ્ટ પાસ કરશે.

  • Follow us on: