- મુંબઈ ઈન્ડિયન્સનો અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ
- આ મેચમાં રોહિતે 27 બોલમાં 49 રન બનાવ્યા
- રોહિતે દિલ્હી કેપિટલ્સ સામે 1000 રન પૂરા કર્યા
IPL 2024ની 20મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થઈ રહ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા ઓપનર રોહિત શર્મા અને ઈશાન કિશને મુંબઈ ઈન્ડિયન્સ માટે સારી શરૂઆત કરી હતી. અક્ષર પટેલે આ ભાગીદારી તોડી હતી. તેણે 7મી ઓવરના છેલ્લા બોલ પર રોહિત શર્માને બોલ્ડ કર્યો હતો.
રોહિતે ખાસ સિદ્ધિ હાંસલ કરી
રોહિત શર્મા ફિફ્ટી ચૂકી ગયો હતો. તેણે 27 બોલમાં 181.48ની સ્ટ્રાઈક રેટથી 49 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સાથે રોહિતે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. તે વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરની વિશિષ્ટ ક્લબમાં જોડાઈ ગયો છે. રોહિતે દિલ્હી કેપિટલ્સ સામે 1000 રન પૂરા કર્યા છે. આવી સ્થિતિમાં, તે સંયુક્ત રીતે IPLમાં સૌથી વધુ ટીમો સામે 1000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પણ 1000 રન બનાવ્યા છે. તેમના સિવાય ડેવિડ વોર્નરે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 1000 રન અને વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 1000 રન બનાવ્યા છે.
IPL 2024માં રોહિતનું પ્રદર્શન
IPL 2024માં રોહિત શર્માનું અત્યાર સુધીનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. ગુજરાત ટાઇટન્સ સામેની પ્રથમ મેચમાં તેણે 29 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન રોહિતે 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રોહિતે 12 બોલમાં 26 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી મેચમાં રોહિત પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. ટ્રેન્ટ બોલ્ટે તેને સંજુ સેમસનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.