- આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વનડે મેચ
- રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે મેચ
- પ્રથમ 2 મેચમાં ભારતીય ટીમની થઈ છે જીત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વનડે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ રમવામાં આવશે. આ મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમવામાં આવશે, ત્યારે બંને ટીમનું રાજકોટમાં આગમન થઈ ગયું છે. આ તમામ વચ્ચે ઈન્ડિયન ટીમના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. છેલ્લી વનડે મેચમાં ભારતના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમી સહિત 5 ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળશે નહીં.
આ ખેલાડીઓ વિના ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે
ત્રીજી વનડે મેચ પહેલાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, આગામી વનડે વર્લ્ડકપ પહેલાં ભારત માટે આ સીરિઝ મહત્વની છે. ભારતીય ટીમે છેલ્લી 10 વનડે મેચમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને આવતીકાલની મેચમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જો કે, આવતીકાલની મેચ માટે ટીમમાં ફેરફાર પણ કરવામાં આવ્યા છે. આવતીકાલે શુભમન ગિલ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર અને અક્ષર પટેલ રમશે નહીં.
રાજકોટમાં રમવામાં આવશે ત્રીજી વનડે
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ મેચમાં હાર્દિક, શુભમન, શમી અને શાર્દુલ ઠાકુર રમશે નહીં. જે ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે. જો કે, ભારતીય ટીમે પહેલાં જ પ્રથમ 2 મેચ જીતીને સીરિઝ પોતાના નામે કરી લીધી છે. જો ભારતીય ટીમ આવતીકાલની મેચમાં હારશે, તો સીરિઝ કેએલ રાહુલના નૈતૃત્વવાળી ટીમના નામે થશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે મોહાલીમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે માત આપી હતી, જ્યારે ઈંદોરમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવ્યું હતું.
બંને ટીમે રાજકોટમાં કરી પ્રેક્ટિસ
આવતીકાલની મેચ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમનું 25 સપ્ટેમ્બરે રાજકોટમાં આગમન થયું હતું. બંને ટીમના ખેલાડીઓનું હોટેલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ આજે બંને ટીમના ખેલાડીઓએ ખંઢેરી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી. ઉલ્લેખનીય છે કે, 3 વનડે મેચની સીરિઝની 2 મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. જેથી આવતીકાલે ભારતીય ટીમ ક્વીન સ્વીપ કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ક્લીન સ્વીપથી બચવાનો પ્રયાસ કરશે.









