• ટી-20 સીરિઝના ઝડપી બોલર અવેશ ખાન હવે ઈજાગ્રસ્ત
  • દુલીપ ટ્રોફી માટે સેન્ટ્રલ ઝોન તરફથી રમી રહ્યો હતો અવેશ
  • મેચના પહેલા દિવસે રિંકુ સિંહ સાથે અથડાતા થયો ઈજાગ્રસ્ત

ટીમ ઈન્ડિયાના ચાહકો માટે ખરાબ સમાચાર છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવેલ ઝડપી બોલર અવેશ ખાન ઈજાગ્રસ્ત થયો છે. દુલીપ ટ્રોફી મેચ દરમિયાન અવેશ ખાનને ખભામાં ઈજા થઈ હતી.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની T20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને જગ્યા મળી છે, પરંતુ ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ એક ખરાબ સમાચાર આવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પાંચ મેચની ટી-20 સીરિઝમાં સ્થાન મેળવનાર ઝડપી બોલર અવેશ ખાન હવે ઈજાગ્રસ્ત છે. દુલીપ ટ્રોફી માટે સેન્ટ્રલ ઝોન તરફથી રમતા અવેશ મેચના પહેલા દિવસે રિંકુ સિંહ સાથે અથડાયો હતો. આ પછી, તે બીજા દિવસે ફિલ્ડિંગ માટે મેદાનમાં પ્રવેશ્યો ન હતો.

BCCIએ હજુ સુધી માહિતી આપી નથી
દુલીપ ટ્રોફી, આ દિવસોમાં સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન વચ્ચે સેમિફાઇનલ બેંગ્લોરના અલુરમાં રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસે (5 જુલાઈ) ફિલ્ડિંગ દરમિયાન અવેશ ખાન રિંકુ સિંહ સાથે અથડાયો હતો. આ કારણે અવેશ ખાનના જમણા ખભામાં ઈજા થઈ હતી. આ પછી અવેશ પહેલા દિવસે મેદાનમાં જોવા મળ્યો ન હતો. અવેશ ખાને ઈજાગ્રસ્ત થતા પહેલા મેચમાં 11 ઓવરમાં 26 રન આપીને હેત પટેલની એક વિકેટ લીધી હતી. અવેશ ખાનની ઈજાની ગંભીરતાને લઈને બીસીસીઆઈ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. જો ઈજા વધુ ગંભીર હશે તો તે વેસ્ટ ઈન્ડિઝ સામેના પ્રવાસમાંથી પણ બહાર થઈ શકે છે.

અવેશ ખાનની કારકિર્દી
અવેશ ખાને ટીમ ઈન્ડિયા માટે 5 વનડે રમી છે. આ સાથે જ તેણે 15 ટી20માં 13 વિકેટ ઝડપી છે. અવશે 37 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 148 વિકેટ લીધી છે, જ્યારે 33 લિસ્ટ A મેચોમાં 32 વિકેટ ઝડપી છે. અવેશ આઈપીએલમાં અત્યાર સુધી કુલ 47 મેચ રમ્યો છે, અહીં તેની 55 વિકેટ છે.

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટેની T20 ટીમઃ ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટમેન), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ , રવિ બિશ્નોઈ , અર્શદીપ સિંહ , ઉમરાન મલિક , અવેશ ખાન , મુકેશ કુમાર.

ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું શેડ્યૂલ

પ્રથમ ટેસ્ટ મેચ - 12 થી 16 જુલાઈ, ડોમિનિકા

બીજી ટેસ્ટ મેચ - 20 થી 24 જુલાઈ, પોર્ટ ઓફ સ્પેન

પ્રથમ ODI - 27 જુલાઈ, બ્રિજટાઉન

બીજી ODI - 29 જુલાઈ, બ્રિજટાઉન

ત્રીજી ODI - 1 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન

1લી T20 - 3 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન

બીજી T20 - 6 ઓગસ્ટ, ગયાના

ત્રીજી T20 - 8 ઓગસ્ટ, ગયાના

ચોથી T20 - 12 ઓગસ્ટ, ફ્લોરિડા

પાંચમી T20 - 13 ઓગસ્ટ, ફ્લોરિડા

  • Follow us on: