- રાંચીમાં આજથી ચોથી ટેસ્ટ મેચ, સવારે 9.30 વાગ્યાથી મેચનો પ્રારંભ
- ભારતની બેટિંગ વધારે મજબૂત, પિચ સ્પિન ફ્રેન્ડલી રહેશે
- રાંચીની પિચથી સુકાની બેન સ્ટોક્સ ચકિત થયો
સિનિયર પેસ બોલર જસપ્રીત બુમરાહની ગેરહાજરી હોવા છતાં ભારતીય ટીમ શુક્રવારથી રમાનારી ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની બાઝબોલ શૈલીને વેરવિખેર કરીને પાંચ મેચની શ્રેણીમાં અજેય લીડ મેળવવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઊતરશે. બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ ઉપર શ્રેણી સરભર કરવાનું દબાણ રહેશે. ભારત શ્રેણીમાં 2-1થી આગળ છે અને તે હોમ ગ્રાઉન્ડમાં સતત 17મી શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે. 2012માં એલિસ્ટર કૂકની ઇંગ્લિશ ટીમ સામે ઘરઆંગણે હાર્યા બાદ ભારત પોતાની ધરતી ઉપર સતત સારો દેખાવ કરી રહ્યું છે. ભારતે 2012 બાદ ઘરઆંગણે રમેલી 47માંથી 38 ટેસ્ટમાં વિજય મેળવ્યો છે. આ દરમિયાન તેને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે પરાજયનો સામનો પણ કરવો પડયો હતો. મેચનો સવારે 9:30થી પ્રારંભ થશે.
રાંચીમાં છેલ્લે 2019માં ટેસ્ટ રમાઈ હતી
ભારત અને સાઉથ આફરીકા વચ્ચે છેલ્લે 2019માં રાંચી ખાતે ટેસ્ટ રમાઈ હતી. મોહમ્મદ શમી અને ઉમેશ યાદવે આફરીકાની દસ વિકેટ તથા સ્પિનર્સે આઠ વિકેટ ઝડપી હતી. આ બંને બોલર્સ હાલમાં ટીમમાં નથી. ઇંગ્લેન્ડની ટીમ બાઝબોલ બેટિંગની રણનીતિને વળગી રહે છે કે નહીં તે રસપ્રદ બની રહેશે. હૈદરાબાદ ટેસ્ટમાં આ ગેમપ્લાન સાચો સાબિત થયો હતો પરંતુ બાકીના બંનેમાં આ રણનીતિ બેન સ્ટોક્સ અને કોચ બ્રેન્ડન મેક્કુલમને ભારે પડી હતી.
ભારતના યુવાઓ શાનદાર ફોર્મમાં છે
કોહલી તથા લોકેશ રાહુલ જેવા સિનિયર બેટ્સમેનોની ગેરહાજરી હોવા છતાં ભારતની બેટિંગ મજબૂત જણાય છે. યશસ્વી જયસ્વાલે ત્રણ ટેસ્ટમાં બે બેવડી સદી સાથે 545 રન બનાવ્યા છે. સરફરાઝે સરફરાઝે રાજકોટ ખાતે પોતાની ડેબ્યૂ ટેસ્ટના બંને દાવમાં અડધી સદી ફટકારી હતી. શુભમન ગિલ ત્રીજા ક્રમે સ્થાપિત થઈ રહ્યો છે. સુકાની રોહિતે ઉપર કેટલીક સારી ઇનિંગ રમી છે. ભારતીય મેનેજમેન્ટ ચાર સ્પિનર્સ રમાડવા કે કેમ તે અંગે દ્વિધામાં છે.
રાંચીની પિચથી સુકાની બેન સ્ટોક્સ ચકિત થયો
શ્રેણી સરભર કરવાના દબાણ હેઠળ રહેલી ઇંગ્લેન્ડની ટીમનો સુકાની બેન સ્ટોક્સ રાંચી ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવેલી પિચથી ચકિત થયો છે. તેણે મેચ પહેલાં જણાવ્યું હતું કે ડ્રેસિંગરૂમમાંથી પિચ લીલીછમ દેખાય છે પરંતુ નજીકથી જુવો તો પિચ ડ્રાય અને કાળી માટીની બનેલી હોય તેવું લાગે છે. પિચ ઉપર કેટલીક તિરાડો પણ દેખાય છે જે મેચના છેલ્લા બે દિવસ બેટ્સમેનો માટે મુશ્કેલી સર્જી શકે છે. બંને છેડેથી પિચ અલગ પ્રકારની દેખાય છે.
રોહિત પાસે પાંચ રેકોર્ડની તક
ઇંગ્લેન્ડ સામે રાંચીમાં રમાનારી ચોથી ટેસ્ટમાં ભારતીય સુકાની રોહિત શર્મા પાસે પાંચ મોટા રેકોર્ડ નોંધાવવાની તક છે. રોહિતે રાજકોટ ટેસ્ટમાં લાંબા ગાળા બાદ સદી ફટકારી હતી. તે અત્યાર સુધીની 57 ટેસ્ટની 98 ઇનિંગ્સમાં 45.19ની સરેરાશથી 3,977 રન બનાવી ચૂક્યો છે જેમાં 11 સદી અને 16 અડધી સદી સામેલ છે. રોહિત ચાર હજાર રન પૂરા કરવાથી 23 રન દૂરી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 600 સિક્સર પૂરી કરવા તેને સાત સિક્સરની જરૂર છે. ટેસ્ટમાં સુકાની તરીકે તે 1,000 રનના આંકડાથી 70 રન દૂર છે. ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે એક હજાર રન પૂરા કરવા રોહિતને વધુ 13 રનની જરૂર છે.
ઇંગ્લેન્ડ રોબિન્સન-બશીરને રમાડશે
રાંચી : ઇંગ્લેન્ડે ભારત સામે શુક્રવારથી રમનારી ચોથી ટેસ્ટ મેચ માટે પોતાની પ્લેઇંગ
ઇલેવનમાં પેસ બોલર ઓલી રોબિન્સન તથા ઓફ સ્પિનર શોએબ બશીરનો સમાવેશ કર્યો છે. બંનેને અનુક્રમે પેસ બોલર માર્ક વૂડ અને લેગ સ્પિનર રેહાન એહમદના સ્થાને ટીમમાં સામેલ કરાયા છે. બેન સ્ટોક્સના નેતૃત્વ હેઠળની ઇંગ્લિશ ટીમે શ્રેણીને જીવંત રાખવા માટે રાંચીમાં કોઇ પણ ભોગે વિજય મેળવવો પડશે. રોબિન્સન ભારતમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ રમશે. રોબિન્સન અને એન્ડરસન પેસ એટેક સંભાળશે. બશીરનો સ્પિન વિભાગમાં ટોમ હાર્ટલી અને પાર્ટ ટાઇમર જોઇ રુટ સાથે સમાવેશ કરાયો છે.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન ।
જેક ક્રોવલી, બેન ડકેટ, ઓલી પોપ, જોઇ રુટ, જોની બેરિસ્ટો, બેન સ્ટોક્સ (સુકાની), બેન ફોકિસ, ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.