- T20 સીરિઝ બાદ એશિયા કપ માટે ટીમ જાહેરાત થશે
- રોહિત અને ગિલ ઓપનિંગ કરે તેવી શક્યતાઓ
- રાહુલ અને અય્યરની થઈ શકે છે વાપસી
એશિયન ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે કે 2023 એશિયા કપ શરૂ થવામાં 20 દિવસથી ઓછા સમય બાકી છે. જોકે, હજુ સુધી BCCIએ આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. રિપોર્ટ અનુસાર, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી T20 સીરિઝ સમાપ્ત થયા બાદ BCCI એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરશે. આ પહેલા જાણી લો કે આ ટૂર્નામેન્ટ માટે ભારતની 15 ખેલાડીઓની ટીમ કેવી હોઈ શકે છે.
શિખર ધવન ફરી નિરાશ થશે
એશિયન ગેમ્સમાં પસંદગી ન થવાના કારણે નિરાશ થયેલા શિખર ધવનને ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે. રોહિત શર્મા અને શુભમન ગિલ એશિયા કપમાં ઓપનિંગના પ્રબળ દાવેદાર છે. જોકે, ઈશાન કિશનને રિઝર્વ ઓપનર અને વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરી શકાય છે.
મિડલ ઓર્ડરમાં વિરાટ ત્રીજા નંબર પર રમશે
આ પછી મિડલ ઓર્ડરની વાત કરીએ તો વિરાટ કોહલી ત્રીજા નંબર પર રમવાનું નિશ્ચિત છે. બીજી તરફ, જો શ્રેયસ અય્યર ચોથા નંબર પર ટીમમાં પરત ફરે છે તો તેના કવર તરીકે સૂર્યકુમાર યાદવને પણ પસંદ કરવામાં આવી શકે છે. આ પછી કેએલ રાહુલ ટીમનો મુખ્ય વિકેટકીપર હશે, જે પાંચમા નંબરે બેટિંગ કરશે.
જસપ્રીત બુમરાહની વાપસી નિશ્ચિત
ઓલરાઉન્ડર ખેલાડીઓની વાત કરીએ તો આમાં રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુર સામેલ થશે. સ્પિન વિભાગ કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલના હાથમાં રહેશે. ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહની વાપસી નિશ્ચિત છે. તેની સાથે મોહમ્મદ સિરાજ અને મુકેશ કુમાર એક્શનમાં જોવા મળી શકે છે.
2023 એશિયા કપ માટે ભારતની સંભવિત 15-સભ્યોની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ , યુઝવેન્દ્ર ચહલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને મુકેશ કુમાર.