- ચૂંટણી જીતીને WFIના પ્રમુખ બનેલા સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા
- સમિતિનું કામ WFIની રોજિંદી ગતિવિધિઓ પર નજર રાખવાનું રહેશે
- WFIની ચૂંટણી પૂર્ણ થયા બાદ વિવાદ ચાલુ થયો હતો
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) રવિવાર (24 ડિસેમ્બર)ની સવારથી સમાચારમાં છે. આ મામલે સૌથી મોટું નિવેદન ખેલ મંત્રાલય તરફથી આવ્યું છે. ખેલ મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા તેણે નવા ચૂંટાયેલા કુસ્તી સંઘને વિખેરી નાખ્યું. મતલબ કે તાજેતરમાં ચૂંટણી જીતીને પ્રમુખ બનેલા સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પછી ફરી એકવાર કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલી સાક્ષી મલિક અને WFIના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ ચર્ચામાં આવ્યા છે. પરંતુ આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ પણ મોટો નિર્ણય લીધો છે. IOAએ હવે એડહોક કમિટિ બનાવવાની જાહેરાત કરી છે.
એડહોક કમિટિ બનાવાશે
ભારતીય ઓલિમ્પિક સંઘે WFIને લઈને નવી એડહોક કમિટિ બનાવવાની જાહેરાત કરી છે. 48 કલાકમાં આ સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિનું કામ WFIની રોજિંદી ગતિવિધિઓ પર નજર રાખવાનું રહેશે. આ પછી તે તેનો રિપોર્ટ તૈયાર કરશે અને તેને IOAને સુપરત કરશે.
શું હોય છે એડહોક કમિટિ?
એડહોક કમિટિનો મતલબ છે કોઇ ખાસ મુદ્દાને સુલઝાવવા માટે બનાવાયેલી અસ્થાયી સમિતિ. સામાન્ય રીતે કાર્યકારી લીડરશીપ જ એડહોક કમિટિ બનાવે છે. લેટીન ભાષામાં એડહોકનો મતલબ ‘તેના માટે’ એવો થાય છે. જ્યારે અંગ્રેજીમાં તેનો મતલબ ‘ફક્ત ઉદ્દેશ્ય માટે’ એવો થાય છે. એડહોક કમિટિનું મુખ્ય કાર્ય વિશેષ સલાહ અને સૂચનો આપવાનું છે. સલાહ અને સૂચનો સમિતિના હેતુ અને ફરજો પર કેન્દ્રિત હોવા જોઈએ. એડહોક સમિતિમાં વિવિધ પૃષ્ઠભૂમિ અને વિદ્યાશાખાના લોકોનો સમાવેશ થઈ શકે છે. જેમ કે- વકીલો, એકાઉન્ટન્ટ્સ અને બિઝનેસ કન્સલ્ટન્ટ્સની ટીમ. અથવા ડોકટરો, નર્સો અને તબીબી સંશોધકોનું જૂથ. મર્યાદિત સમય માટે અને ચોક્કસ મુદ્દાના ઉકેલ માટે એડહોક સમિતિની રચના કરવામાં આવે છે.
WFIની નવી સંસ્થાના ભંગ પર સાક્ષીએ શું કહ્યું?
ગુરુવારે 21મી ડિસેમ્બરે WFIની ચૂંટણી પૂર્ણ થયા બાદ વિવાદ ચાલુ હતો. સાક્ષી મલિકે એસોસિએશનની આ ચૂંટણી પર દુખ વ્યક્ત કરતા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના જૂતા ઉતારીને ટેબલ પર મૂક્યા અને કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. આ પછી, જ્યારે મંત્રાલયે રવિવારે નવા ચૂંટાયેલા એસોસિએશનનું વિસર્જન કર્યું, ત્યારે પૂર્વ રેસલર સાક્ષી મલિકની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે સરકાર સાથે કોઈ લડાઈ નથી. લડાઈ માત્ર એથ્લીટ્સ માટે હતી. મને બાળકોની ચિંતા છે.