અફઘાનિસ્તાને ત્રીજી વનડેમાં બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું. ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ અફઘાનિસ્તાનની જીતનો હીરો રહ્યો હતો. રહેમાનુલ્લા ગુરબાઝે 120 બોલમાં 101 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. સાથે જ આ સદી સાથે રહેમાનુલ્લા ગુરબાઝે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રહેમાનુલ્લા ગુરબાઝની વનડે કારકિર્દીની આ આઠમી સદી છે. સદી ફટકાર્યા બાદ તેણે સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને બાબર આઝમ જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. રહેમાનુલ્લા ગુરબાઝ ODI ફોર્મેટમાં 8 સદી ફટકારનાર એશિયાનો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે.
ગુરબાઝ વિશ્વનો બીજો સૌથી નાનો બેટ્સમેન બન્યો
જો આખી દુનિયાની વાત કરીએ તો માત્ર ક્વિન્ટન ડી કોકે પોતાની નાની ઉંમરમાં 8 ODI સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરે 22 વર્ષ 357 દિવસની ઉંમરે તેની આઠમી ODI સદી ફટકારી હતી. જ્યારે રહેમાનુલ્લા ગુરબાઝે 22 વર્ષ 349 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીએ 23 વર્ષ 27 દિવસની ઉંમરે 8 ODI સદી ફટકારી હતી અને બાબર આઝમે 23 વર્ષ 280 દિવસની ઉંમરે 8 ODI સદી ફટકારી હતી. આ યાદીમાં દક્ષિણ આફ્રિકાનો ક્વિન્ટન ડી કોક ટોપ પર છે. તેણે 22 વર્ષ 312 દિવસની ઉંમરે તેની આઠમી ODI સદી ફટકારી હતી.
મેચમાં અફઘાનિસ્તાનની થઈ જીત
ત્રીજી વનડેની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટે 244 રન બનાવ્યા હતા. આ રીતે અફઘાનિસ્તાનને જીતવા માટે 245 રનનો ટાર્ગેટ હતો. અફઘાનિસ્તાને 48.2 ઓવરમાં 5 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ સિવાય અઝમતુલ્લાહ શાહિદીએ 70 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબી 27 બોલમાં 34 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો.