• ટિટે રાજીનામું આપનાર છઠ્ઠા કોચ બન્યા

  • વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ નેમાર ઘણો હતાશ જણાતો હતો
  • પરાજય બાદ બ્રાઝિલના કોચ ટિટેએ પણ કોચ કમ મેનેજર તરીકેનો હોદ્દો છોડી દીધો

બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે સંકેત આપ્યો છે કે તે ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ શકે છે. શુક્રવારે કતાર ખાતે રમાતા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ નેમાર ઘણો હતાશ જણાતો હતો. નેમારે મેચ બાદ જણાવ્યું હતું કે હું નેશનલ ટીમ તરફથી ફરી રમીશ કે નહીં તેની કોઈ ગેરંટી આપી શકતો નથી. હું નેશનલ ટીમ માટેના મારા દરવાજા બંધ કરી રહ્યો નથી પરંતુ હું પુનરાગમન કરીશ તેવી 100 ટકા ગેરંટી પણ આપી શકતો નથી. નેમારે ક્રોએશિયા સામેની ક્વાર્ટર ફાઇનલમાં એક ગોલ પણ કર્યો હતો. આ ગોલ સાથે તેણે બ્રાઝિલના મહાન ખેલાડી પેલેના ગોલનો રેકોર્ડ પણ સરભર કર્યો હતો. પરાજય બાદ બ્રાઝિલના કોચ ટિટેએ પણ પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ શરમજનક પરાજય છે પરંતુ હું શાંતિથી જઈ રહ્યો છું.

ટિટે રાજીનામું આપનાર છઠ્ઠા કોચ બન્યા

બ્રાઝિલનો પરાજય થતાં ટિટેએ કોચપદેથી રાજીનામું આપ્યું હતું. વર્તમાન વર્લ્ડ કપમાં કોચપદેથી રાજીનામું આપનાર તે છઠ્ઠી ટીમના કોચ છે. આ પહેલાં લૂઇસ એનરિકે મોરક્કો સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય મળ્યા બાદ સ્પેનના મેનેજર તરીકેનો હોદ્દો છોડી દીધો હતો. આ ઉપરાંત બેલ્જિયમના રોબર્ટો માર્ટિનેઝ, મેક્સિકોના ગેરાર્ડો માર્ટિનો, ઘાનાના ઓટો એડો અને સાઉથ કોરિયાના પાઉલો બેન્ટો પણ કોચપદને છોડી દીધું હતું. ટિટે 2016ના જૂનમાં બ્રાઝિલના કોચ બન્યા હતા. તેમના કોચિંગ હેઠળ બ્રાઝિલે 81 મેચમાં 61 વિજય, 13 ડ્રો તથા સાત પરાજયના પરિણામ મળ્યા હતા.


  • Follow us on: