- રાહુલને સામેલ કરવાના અંગે રોહિતે કહ્યું, જો ખેલાડીમાં ક્ષમતા હશે તો તે લાંબો સમય રમશે
- એક ટીમ મેનેજમેન્ટ તરીકે, અમે હંમેશા વ્યક્તિની ક્ષમતા જોઈએ છીએ માત્ર ભૂતકાળના પ્રદર્શનને જ નહીં
- દ્રવિડે કહ્યું કે રાહુલ અમારા સૌથી સફળ વિદેશી ઓપનરોમાંનો એક છે, ટીમ મેનેજમેન્ટ તરફથી સમર્થન મળતું રહેશે
ટીમ ઈન્ડિયાએ દિલ્હી ટેસ્ટમાં સતત બીજી વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચાર મેચોની સીરિઝમાં ટીમ ઈન્ડિયા હવે 2-0થી આગળ છે. આ મેચમાં રવીન્દ્ર જાડેજાએ 10 વિકેટ લીધી હતી. પરંતુ ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગના 263 રનના જવાબમાં ટીમ ઈન્ડિયા 262 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં કાંગારૂ ઈનિંગ્સ 113 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. ભારતને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેને હાંસલ કરવા તેના ચાર બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. કેએલ રાહુલ પણ આ બેટ્સમેનોમાં સામેલ છે, જે ખૂબ જ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે પહેલી ઈનિંગમાં 17 અને બીજી ઇનિંગમાં એક રન બનાવ્યા હતા. નાગપુર ટેસ્ટમાં પણ રાહુલ માત્ર 20 રન બનાવી શક્યો હતો. ખરાબ પ્રદર્શન છતાં રાહુલને ટીમમાં સામેલ કરવા પર સવાલો ઉભા થયા છે.
હવે કેપ્ટન રોહિત શર્માએ કેએલ રાહુલને ટીમમાં સામેલ કરવા અંગે જવાબ આપ્યો છે. રાહુલને સામેલ કરવાનો સંકેત આપતા રોહિતે કહ્યું કે જો કોઈ ખેલાડીમાં ક્ષમતા હશે તો તે ટીમમાં લાંબો સમય રમશે. જાન્યુઆરી 2022થી, રાહુલે માત્ર એક અડધી સદી ફટકારી છે, જ્યારે તેની છેલ્લી ટેસ્ટ સદી ડિસેમ્બર 2021માં દક્ષિણ આફ્રિકા સામે આવી હતી. શુભમન ગિલના કારણે હવે રાહુલ પર પોતાનું સ્થાન જાળવી રાખવાનું દબાણ ઘણું વધી ગયું છે.










