• નાણામંત્રી નિર્મલા સીતારમણે સિરાજની લીધી મુલાકાત
  • ટીમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા
  • સિરાજને ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાં આરામ અપાયો

નિર્મલા સીતારણને હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોહમ્મદ સિરાજને મળ્યા અને ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધામાં ટીમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા. નાણામંત્રીએ સિરાજની મુલાકાત વર્લ્ડ કપ 2023માં ભારતની હાર બાદ લીધી છે. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે સિરાજની લીધી મુલાકાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવાર, 20 નવેમ્બરના રોજ હૈદરાબાદમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને મળ્યા હતા અને તેમને વર્લ્ડ કપ 2023 (CWC 2023)માં ભારતીય ક્રિકેટ ટીમના સારા પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા હતા. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં રમાયેલી તેની પ્રથમ દસ મેચમાં અજેય રહી હતી, પરંતુ 19 નવેમ્બરે રમાયેલી ફાઈનલ મેચમાં ટીમને છ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સાથે નાણામંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર ટૂર્નામેન્ટમાં સમગ્ર ટીમ ખૂબ જ નિશ્ચય અને ધૈર્ય સાથે રમી હતી, જેનાથી સમગ્ર રાષ્ટ્રને ખૂબ જ ગર્વ અને આનંદ થયો હતો. સિરાજ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ માટે સૌથી સફળ બોલરોમાંથી એક હતો. તેના ડેબ્યૂ વર્લ્ડ કપમાં તેણે 11 મેચ રમી, 33.50ની એવરેજથી 14 વિકેટ લીધી. આ સમયગાળા દરમિયાન 3/16 તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. સિરાજે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી સાથે મળીને ટીમને ફાઇનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

 સિરાજને ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાં આરામ

વર્લ્ડકપની સમાપ્તિ બાદ ટીમ ઈન્ડિયાની સામે હવે ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 સીરિઝ જીતવાનો પડકાર હશે, જેની શરૂઆત 23 નવેમ્બરથી વિશાખાપટ્ટનમમાં રમાનારી મેચથી થશે. સોમવારે BCCIએ આ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી સહિત અન્ય સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની આ ટીમમાં યુવા ખેલાડીઓને તક મળી છે.

  • Follow us on: