• ODI વર્લ્ડ કપની એનાઉન્સમેન્ટ કરવા માટે ICCએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું
  • આ કાર્યક્રમમાં ભારતીય ટીમના પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગ પણ હાજર હતા
  • વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર ભારત આખી ટૂર્નામેન્ટનું એકલા હાથે આયોજન કરશે

ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપની ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરવા માટે ICCએ મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ પણ ત્યાં હાજર હતા. વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલી વખત ભારત આખી ટૂર્નામેન્ટ એકલા હાથે આયોજિત કરવા જઈ રહ્યું છે. શેડ્યૂલની જાહેરાત બાદ વીરેન્દ્ર સેહવાગે વિરાટ કોહલીના વખાણ કરતું નિવેદન આપ્યું હતું જે હવે ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

વર્ષ 2011માં જ્યારે ભારતે છેલ્લી વખત ODI વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે વીરેન્દ્ર સેહવાગ પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતા. શેડ્યૂલની જાહેરાત બાદ સેહવાગે ભારતીય ખેલાડીઓને ખાસ અપીલ કરી હતી અને કહ્યું હતું કે, તેઓ વિરાટ કોહલી માટે તેને જીતે. સેહવાગે કહ્યું કે, તેઓ સચિન તેંડુલકર માટે 2011નો ODI વર્લ્ડ કપ રમ્યા હતા. હવે તમામ ખેલાડીઓ વિરાટ કોહલી માટે આ વર્લ્ડ કપ જીતે. તે એક મહાન ખેલાડી છે અને હંમેશા મેદાન પર પોતાનું 100 ટકા આપવાનો પ્રયાસ કરે છે. તે એક મહાન ખેલાડી અને માણસ છે અને અન્ય ખેલાડીઓને પણ મદદ કરે છે.

સેહવાગ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહ્યા છે

આ દરમિયાન વીરેન્દ્ર સેહવાગે વધુમાં કહ્યું કે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચમાં કઇ ટીમ જીતે તેવી શક્યતા છે તેવા પ્રશ્નના જવાબમાં સેહવાગે કહ્યું કે, ભારત દબાણવાળી મેચોમાં વધુ સારું રમે છે, આ સ્થિતિમાં તેનો હાથ ઉપર હોવાનું માનવામાં આવે છે. 1990ના દાયકામાં પાકિસ્તાન આવી મેચોમાં સારું પ્રદર્શન કરતું હતું, પરંતુ 2000ના દાયકાથી ભારત આવી મેચોમાં વધુ સારું પ્રદર્શન કરતા જોવા મળે છે.

  • Follow us on: