આઇસીસી વિમેન્સ વર્લ્ડ કપ 2024 બાદ હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય વિમેન્સ ટીમ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડની ટીમ સામે ત્રણ મેચની વન-ડે શ્રોણી રમશે. આ તમામ મેચો ડે-નાઇટ રહેશે અને બપોરે 1:30થી મેચોનો પ્રારંભ થશે. આ શ્રોણી 24મીથી 29મી ઓક્ટોબર સુધી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
બંને ટીમ વચ્ચે 24મી (ગુરુવાર), 27મી (રવિવાર) તથા 29મી ઓક્ટોબરે (મંગળવાર) મેચ રમાશે. આગામી વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા ભારતીય ટીમ માટે આ શ્રોણી પોતાની તૈયારીઓને વધારે મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. ન્યૂઝીલેન્ડ માટે પણ આ સિરીઝ મહત્ત્વની રહેશે કારણ તે 2025માં યોજાનારા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવા માગશે. અત્યારે માત્ર ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડની ટીમ જ આ મેજર ઇવેન્ટ માટે ક્વોલિફાય કરી ચૂક્યું છે. રસપ્રદ બાબત એ છે કે ન્યૂઝીલેન્ડની મેન્સ તથા વિમેન્સ ટીમો એક સાથે ભારતનો પ્રવાસ ખેડશે. મેન્સ ટીમ 16મી ઓક્ટોબરથી પાંચમી નવેમ્બરની વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રોણી રમશે.










