• પેરી-મંધાનાની શાનદાર શરૂઆત
  • દિલ્હી 113 રન બનાવી ઓલ આઉટ
  • બેંગલોરે જીત્યું પોતાનું પ્રથમ WPL ટાઇટલ

વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઇનલ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. ફાઈનલ મેચમાં બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. WPLમાં RCBનું આ પહેલું ટાઈટલ છે. જ્યારે RCB ફ્રેન્ચાઇઝીનું પણ આ પ્રથમ ટાઇટલ છે. ફાઈનલ મેચમાં દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેમના બેટ્સમેન ફાઈનલ મેચમાં સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયા હતા. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની ટીમ 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેનો પીછો કરતા બેંગ્લોરે 8 વિકેટે મેચ જીતી લીધી હતી.

દિલ્હીના બેટ્સમેન ફ્લોપ

ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સની ઓપનર શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગે 7 ઓવરમાં 64 રનની ખૂબ જ સારી શરૂઆત આપી હતી. જે બાદ માનવામાં આવી રહ્યું હતું કે આ મેચમાં દિલ્હી કેપિટલ્સ 180-190ના ટાર્ગેટને આસાનીથી સ્પર્શ કરશે, પરંતુ 7.1 ઓવરમાં શેફાલી વર્માએ 27 બોલમાં 44 રનની શાનદાર ઇનિંગ રમી અને બોલ પર મોટો શોટ રમતા રમતા આઉટ થઈ ગઈ. આ પછી ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન જેમિમાહ રોડ્રિગ્સ અને એલિસ કેપ્સી ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા. એક સમયે દિલ્હીનો સ્કોર 64 રન પર કોઈ નુકશાન વિના હતો તે 3 વિકેટે સાથે 64 થઇ ગયો હતો.

આ પછી 74 રને ચોથી વિકેટ કેપ્ટન મેગ લેનિંગના રૂપમાં પડી. મેગ લેનિંગે 23 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટનના આઉટ થયા બાદ દિલ્હીની બેટિંગ અચાનક ખોરવાઈ ગઈ હતી અને થોડી જ વારમાં આખી ટીમ 74ના સ્કોર પર ચાર વિકેટ સાથે 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બેંગ્લોર તરફથી બોલિંગમાં શ્રેયંકા પાટીલે યાદગાર પ્રદર્શન કર્યું હતું અને 3.3 ઓવરમાં 12 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. સોફી મોલિનેક્સે 3વિકેટ લીધી હતી. જ્યારે આશા શોભનાએ પણ બે વિકેટ ઝડપી હતી.

બોલિંગ બાદ આરસીબીની મજબૂત બેટિંગ

ટાઈટલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલા બોલિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું અને પછી બેટિંગમાં પણ પોતાની પ્રતિભા બતાવી. 114 રનનો પીછો કરતી વખતે કેપ્ટન સ્મૃતિ મંધાના અને સોફી ડિવાઈને સાથે મળીને આરસીબીને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને ઓપનરોએ શરૂઆતની ઓવરોમાં પાવર પ્લેમાં કોઈ પણ ખરાબ શોટ રમ્યા વિના 25 રન જ બનાવ્યા હતા, પરંતુ સારી વાત એ હતી કે બંનેએ શરૂઆતમાં બેંગ્લોરને કોઈ ઝટકો લાગવા દીધો નહોતો.


મંધાના અને સોફી ડિવાઈને મળીને પ્રથમ વિકેટ માટે 49 બોલમાં 49 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ 32ના અંગત સ્કોર પર શિખા પાંડેના બોલ પર સોફી ડિવાઈન એલબીડબ્લ્યુ થઈ ગઈ હતી. આ પછી, એલિસ પેરીએ કેપ્ટન સાથે મળીને ઇનિંગની જવાબદારી સંભાળી, પરંતુ જીતની સીમા પાર કરે તે પહેલા કેપ્ટન સ્મૃતિ મંધાના 39 બોલમાં 31 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. અંતિમ મેચમાં બેટિંગ કરતી વખતે પેરીએ 35 રનની શાનદાર ઇનિંગ રમી હતી. દિલ્હી તરફથી બોલિંગમાં શિખા પાંડેએ 1 વિકેટ લીધી હતી. જ્યારે મીનુ મણીએ પણ કેપ્ટન મંધાનાની મહત્વની વિકેટ મેળવી હતી.


બેંગ્લોરને પ્રથમ ટાઇટલ મળ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઇઝી માટે પણ આ પ્રથમ ટાઇટલ છે. 16 વર્ષથી ચાહકો IPLમાં પુરૂષ ખેલાડીઓની ટ્રોફીની રાહ જોઈ રહ્યા હતા. તે આશા WPL 2024માં સ્મૃતિ મંધાનાની કપ્તાની હેઠળ બેંગ્લોરની મહિલા ટીમમાં સાકાર થઈ હતી. આરસીબીના પ્રશંસકો મેદાન પર પોતાની મનપસંદ ટીમને જોરદાર સમર્થન આપતા જોવા મળ્યા હતા. બેંગ્લોરની બોલિંગે આ ખિતાબનો પાયો નાખ્યો અને તેને વાસ્તવિકતા બનાવવામાં બેટ્સમેનોએ મહત્વની ભૂમિકા ભજવી.

બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીએ તેમના ટાઇટલ માટે થોડી વધુ રાહ જોવી પડશે. WPLની બીજી સિઝનમાં દિલ્હી કેપિટલ્સની આ સતત બીજી ફાઈનલ મેચ હતી, પરંતુ પ્રથમ સિઝનમાં જ્યાં મુંબઈ ઈન્ડિયન્સે ફાઇનલમાં દિલ્હીને હરાવ્યું હતું. અને એક વર્ષ બાદ આ વખતે તે જ ફાઇનલમાં બેંગ્લોરે દિલ્હીનું ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર કરી દીધું છે.

  • Follow us on: