- મુંબઈ ઈન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા મુંબઈ કેમ્પમાં જોડાયો
- મુંબઈ ઈન્ડિયન્સે તેની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
- પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી
મુંબઈ ઈન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા મુંબઈ કેમ્પમાં જોડાઈ ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સે તેની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ વખતે રોહિત શર્મા મુંબઈ તરફથી બેટ્સમેન તરીકે રમવા જઈ રહ્યો છે. જ્યારે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી હતી. રોહિત કેમ્પમાં પહોંચ્યા બાદ હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા વચ્ચેના સંબંધો કેવા રહેશે તે જોવું રહ્યું. વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ માર્ક બાઉચર સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં સાથે આવ્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યાને રોહિત શર્માની કેપ્ટનશીપ પરત લેવા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના પર હાર્દિક પંડ્યા અને કોચ માર્ક બાઉટરે મૌન જાળવ્યું હતું.
રોહિત શર્મા ટીમ સાથે જોડાયો
મુંબઈ ઈન્ડિયન્સનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં જોડાઈ ગયો છે, પરંતુ તેણે હજુ પ્રેક્ટિસ શરૂ કરી નથી. એવું માનવામાં આવે છે કે રોહિત 19 માર્ચથી પ્રેક્ટિસ શરૂ કરી શકે છે. આ દરમિયાન રોહિત શર્મા પણ પહેલીવાર હાર્દિક પંડ્યાની સામે આવી શકે છે. હવે જોવાનું એ રહે છે કે મુંબઈનું મેનેજમેન્ટ આ તોફાનને શાંતિમાં બદલવામાં કેવી રીતે સફળ થાય છે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ તરફથી મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો હતો. થોડા દિવસો બાદ હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિત શર્મા અને મુંબઈના ચાહકો ફ્રેન્ચાઈઝીના આ નિર્ણયથી ખૂબ નારાજ હતા.
પંડ્યાએ રોહિતની કેપ્ટનશિપ પર મૌન જાળવ્યું
સોમવારે હાર્દિક પંડ્યા માર્ક બાઉચરની સાથે કેપ્ટન તરીકે પહેલીવાર પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો હતો. તે સમયે જ્યારે એક પત્રકારે હાર્દિક પંડ્યાને રોહિત શર્માની કેપ્ટન્સી છીનવાઈ જવા અંગે પ્રશ્ન પૂછ્યો તો હાર્દિક પંડ્યા અહીં-તહી જોવા લાગ્યો. જ્યારે આ જ પ્રશ્ન કોચ માર્ક બાઉચરને પૂછવામાં આવ્યો ત્યારે તેણે બોલવા માટે માઈક ઉપાડ્યું પરંતુ તે પછી તેણે નામાં માથું હલાવ્યું.
તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા માર્ક બાઉચરે એક પોડકાસ્ટ દરમિયાન રોહિત શર્માની કેપ્ટન્સી પર નિવેદન આપ્યું હતું. જે બાદ તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની પત્નીએ પણ બાઉચરના નિવેદન પર ટિપ્પણી કરી હતી. જે બાદ આ મામલો ફરી એકવાર જોર પકડ્યો છે. કદાચ આ જ કારણ હશે કે હાર્દિક અને બાઉચર રોહિત શર્માની કેપ્ટનશિપના સવાલને ટાળતા જોવા મળ્યા હતા.
રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈએ પાંચ ખિતાબ પોતાના નામે કર્યા
રોહિત શર્માએ 2013માં પ્રથમ વખત મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળી હતી અને તે જ સિઝનમાં રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સની શાનદાર કપ્તાની સાથે નેતૃત્વ કર્યું હતું અને તેમનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. આ પછી રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને IPLમાં પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લે 2020માં ટાઈટલ જીત્યું હતું, ત્યાર બાદ આ ફ્રેન્ચાઈઝી એક પણ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. રોહિત શર્માને સુકાનીપદેથી હટાવવાનું આ પણ એક કારણ હોઈ શકે છે. વાસ્તવમાં, હાર્દિક પંડ્યા 2022માં પ્રથમ વખત ગુજરાતનો કેપ્ટન બન્યો હતો અને તેણે પ્રથમ સિઝનમાં જ ટાઈટલ જીત્યું હતું, ત્યારબાદ 2023માં તેની કેપ્ટનશિપમાં ગુજરાત ફાઈનલમાં પહોંચ્યું હતું.