• આફ્રિદી ચીફ સિલેક્ટર તરીકે ચાર સભ્યોની પેનલનું નેતૃત્વ કરશે

  • આગામી સમયગાળામાં કાયમી સિલેક્શન કમિટીની નિમણૂક કરવામાં આવશે
  • પીસીબીના વડાના પદ પરથી રમીઝ રાજાની હકાલપટ્ટી કરવામાં આવી હતી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ શનિવારે પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને નેશનલ સિલેક્શન કમિટીના વચગાળાના ચેરમેન તરીકે નિયુક્ત કર્યો હતો. આફ્રિદી ચીફ સિલેક્ટર તરીકે ચાર સભ્યોની પેનલનું નેતૃત્વ કરશે. આ સમિતિમાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાક અને રાવ ઇફ્તિખાર અંજુમ પણ સામેલ છે જ્યારે હારુન રશીદ સંયોજક તરીકે કામ કરશે. નોંધનીય છે કે થોડા દિવસની અંદર જ પાક ક્રિકેટ માટે આ બીજો એક ધડાકો છે. તાજેતરમાં ઘરઆંગણે પાકિસ્તાની ટીમને ઇંગ્લેન્ડની ટીમ સામે 3-0થી કારમો પરાજય મળતાં ઊહાપોહ મચી ગયો હતો. તેને કારણે જ પાક. ક્રિકેટ બોર્ડમાં ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ પીસીબીના વડાના પદ પરથી રમીઝ રાજાની હકાલપટ્ટી કરવામાં આવી હતી અને તેને સ્થાને નઝમ શેઠીની નિમણૂક કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર શાહિદ આફ્રિદી હાલમાં પાકિસ્તાનના કામચલાઉ ધોરણે મુખ્ય સિલેક્ટર તરીકે કામ કરશે જો કે આગામી સમયગાળામાં કાયમી સિલેક્શન કમિટીની નિમણૂક કરવામાં આવશે.


  • Follow us on: