- પાકિસ્તાનનો જેવલિન થ્રોઅર અરશદ નદીમ વિવાદોમાં ફસાયો છે
- અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો
- નદીમ લશ્કર-એ-તૈયબાના આતંકી મોહમ્મદ હરિસ ડારને મળ્યો હતો
પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાનનો જેવલિન થ્રોઅર અરશદ નદીમ વિવાદોમાં ફસાયો છે. પેરિસથી પાકિસ્તાન પહોંચ્યા બાદ દરેક જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેને લઈને મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે લશ્કર-એ-તૈયબાના આતંકી મોહમ્મદ હરિસ ડારને મળ્યો છે. વીડિયોમાં તેને ડાર સાથે વાતચીત કરતા જોઈ શકાય છે. માહિતી અનુસાર, હરિસ ડાર પ્રતિબંધિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT)ના રાજકીય મોરચા મિલ્લી મુસ્લિમ લીગ (MML)નો સંયુક્ત સચિવ છે.
તેજિન્દર પાલ સિંહ બગ્ગાએ ઉઠાવ્યા સવાલ
આ વીડિયોમાં હરિસ અરશદને કહેતો જોવા મળે છે કે આ દેશનું નામ આખી દુનિયામાં ફેમસ કરવું છે. અમે ભાલા ફેંક ટુર્નામેન્ટનું આયોજન કરીશું. આ વીડિયો વાયરલ થયા બાદ BJPના રાષ્ટ્રીય સચિવ તેજિંદર પાલ સિંહ બગ્ગાએ અરશદ પર સવાલ ઉઠાવ્યા છે. તેણે X પર લખ્યું- પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા પછી, અરશદ નદીમ ભારતના મોસ્ટ વોન્ટેડ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હરિસ દારને મળ્યો હતો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેની સંદેશ ન્યુઝ પુષ્ટી કરતું નથી.
લશ્કર-એ-તૈયબાએ મુંબઈમાં હુમલા કર્યા હતા
જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે અરશદ પેરિસ ઓલિમ્પિક પહેલા મળ્યો હતો કે ત્યાંથી પાકિસ્તાન પરત ફર્યા બાદ, પરંતુ આ વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. લશ્કર-એ-તૈયબા એ આતંકવાદી હાફિઝ સઈદ દ્વારા રચાયેલ સંગઠન છે. પાકિસ્તાની આતંકવાદી હાફિઝને મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. 2008માં મુંબઈમાં થયેલા હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. લશ્કરના 10 આતંકવાદીઓએ 60 કલાક સુધી મુંબઈમાં આતંક મચાવ્યો હતો.
વૈશ્વિક આતંકવાદી
2018માં યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે 7 આતંકીઓને સ્પેશિયલ ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યા હતા. જેમાં સૈફુલ્લા ખાલિદ, મુઝમ્મિલ ઈકબાલ શશિમી, તાબિશ કયૂમ, ફૈયાઝ અહેમદ, ફૈઝલ નદીમ અને મોહમ્મદ એહસાન સહિત હરિસ ડારના નામ સામેલ છે.