- WTCમાં ભારતીય ટીમને 209 રનથી હારનો સામનો કરવો પડ્યો
- મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયા સતત ટીકાઓનો સામનો કરી રહી છે
- WTCમાં અશ્વિનને પ્લેઇંગ-11માં સામેલ ન કરવાનો નિર્ણયે બધા ચકિત કર્યા
ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં ભારતીય ટીમને 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયા સતત ટીકાઓનો સામનો કરી રહી છે. કેપ્ટન રોહિત શર્મા સહિત ટીમ મેનેજમેન્ટ પણ આ ટીકાનો સામનો કરી રહ્યું છે. આમાં રવિચંદ્રન અશ્વિનને પ્લેઇંગ 11માં સામેલ ન કરવાનો નિર્ણય બધા માટે સૌથી આશ્ચર્યજનક હતો.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમમાં અશ્વિનની ગેરહાજરી સ્પષ્ટપણે અનુભવાઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમમાં લેફ્ટ હેન્ડ બેટ્સમેનોની સંખ્યા વધુ હોવા છતાં અશ્વિનને બહાર રાખવાનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો. ટીમ મેનેજમેન્ટના આ નિર્ણય પર રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલી સહિત ઘણા પૂર્વ દિગ્ગજોએ સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે જ અશ્વિને પણ આ વાતનો ઉધડો લીધો છે. અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, અમે સમજી શકીએ છીએ કે છેલ્લા 10 વર્ષમાં એક પણ ICC ટાઇટલ ન જીતવા બદલ ફેન્સમાં ઘણો ગુસ્સો છે. ફેન્સ હવે સોશિયલ મીડિયા પર ખેલાડીના ડ્રોપ અથવા સમાવેશ વિશે ચર્ચા કરે છે. હું એટલું જ કહેવા માગુ છું કે કોઈ પણ ખેલાડી એક રાતમાં સારો કે ખરાબ નથી બની શકતો.










