- એશિયા કપ મેચમાં કોહલીએ અફઘાનિસ્તાન સામે કર્યુ શાનદાર પ્રદર્શન
- અણનમ 122 રનની ઇનિંગ રમી
- 1020 દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી
છેલ્લા કેટલાયે સમયથી ખરાબ પ્રદર્શનને કારણે પ્રશંસકો અને ટીકાકારોના આક્રોશનો સામનો કરી રહેલ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી એશિયાકપમાં શાનદાર પરફોર્મ કરીને છવાઇ ગયો છે. ગુરુવારે (8 સપ્ટેમ્બર) એશિયા કપ 2022ની મેચમાં કોહલીએ અફઘાનિસ્તાન સામે અણનમ 122 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન કોહલીએ 61 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગા અને છ સિક્સ ફટકારી હતી.કોહલીએ 83 ઇનિંગ્સ અને 1020 દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી છે. કોહલીએ આ પહેલા આંતરરાષ્ટ્રીય સદી 23 નવેમ્બર 2019ના રોજ કોલકાતામાં બાંગ્લાદેશ સામે ફટકારી હતી.
વિરાટ કોહલીની આ શાનદાર સદીની મદદથી ભારતે આ મેચમાં 101 રને જીત મેળવી હતી. વિજય બાદ કોહલીએ કહ્યું કે બ્રેકના કારણે તે ક્રિકેટ વિશે ઘણું શીખી શક્યો. કોહલીએ કહ્યું કે જ્યારે તે 60-70 રન બનાવવાનો હતો ત્યારે લોકો તેને નિષ્ફળતા માનતા હતા. જે એકદમ ચોંકાવનારું હતું.
ખરાબ સમયમાં અનુષ્કા ડગલેને પગલે ખડે પગે ઉભી રહી
કોહલીએ કહ્યું, સૌ પ્રથમ હું આભારી છું કે આજનો દિવસ એવો હતો. ક્રિકેટથી દૂર હોવાને કારણે હું ઘણું શીખી શક્યો અને મારી ખામીઓ વિશે જાણી શક્યો. મેં અગાઉ પણ એક ખાસ વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો - અનુષ્કા, જે આ મુશ્કેલ સમયમાં મારી સાથે હતી. મારા ખરાબ સમયમાં પણ તે મારી સાથે હતી અને તેણે આ બધું જોયું. અનુષ્કાએ હંમેશા મને સાથ આપ્યો. તેણે મને વસ્તુઓને નવી રીતે જોવાનું શીખવ્યું અને તેના કારણે હું આરામથી પાછો આવ્યો. મુશ્કેલીમાંથી બહાર આવી શક્યો.
ટીમનું ઘણું યોગદાન રહ્યું: કોહલી
કોહલીએ કહ્યું, 'મેં થોડો સમય બ્રેક લીધો અને પછી નવેસરથી શરૂઆત કરી અને ટીમના વાતાવરણનો પણ આમાં ફાળો હતો. ટીમે મને આરામ આપ્યો અને મારું વલણ યોગ્ય રાખ્યું. મને ઘણી સલાહ અને સૂચનો આપવામાં આવ્યા હતા. લોકો મારા વિશે વાત કરતા હતા કે હું શું ખોટું કરી રહ્યો છું. દિવસના અંતે એક વ્યક્તિ તરીકે તમે જાણો છો કે તમે અલગ છો. લોકોનો પોતાનો અભિપ્રાય હશે પરંતુ તમે જે અનુભવો છો તે તેઓ અનુભવી શકશે નહીં.