- એશિયા કપમાં પાકિસ્તાની ટીમનું શાનદાર પ્રદર્શન
- પાકિસ્તાન તમામ ટીમ પર પડી રહ્યું છે ભારે
- સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-3 પાકિસ્તાની ખેલાડી
એશિયા કપ 2023માં અત્યાર સુધી પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાને નેપાળને પ્રથમ મેચમાં 238 રને હરાવ્યું હતું. જે બાદ બાંગ્લાદેશને 7 વિકેટે માત આપી છે. પાકિસ્તાનના બોલર્સે ભારત વિરુદ્ધ પણ ઘાતક બોલિંગ કરી હતી. જો કે, આ મેચ વરસાદના કારણે થઈ શકી નહતી. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેવા મામલે અને સૌથી વધુ રન બનાવવા મામલે પાકિસ્તાનના ખેલાડી ટોપ પર છે.
સૌથી વધુ વિકેટ કોણે લીધી?
એશિયા કપ 2023માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ હારિસ રઉફે લીધી છે. તેમણે 3 મેચમાં 9 વિકેટ પ્રાપ્ત કરી છે. રઉફે 20 ઓવર નાખી છે. જેમાં 93 રન આપીને 9 વિકેટ લીધી છે. નસીમ શાહ બીજા નંબર પર છે. નસીમે 7 વિકેટ મેળવી છે. તેમણે 19.3 ઓવરમાં 117 રન આપ્યા છે. શાહીન અફરિદી આ મામલે ત્રીજા નંબર પર છે. નસીમે 117 રન આપીને 7 વિકેટ પ્રાપ્ત કરી છે. ભારત માટે સૌથી વધુ વિકેટ રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાઝે લીધી છે. આ બંને ખેલાડીઓએ 3-3 વિકેટ લીધી છે.
સૌથી વધુ રન કોણે બનાવ્યા?
જો સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની યાદી પર નજર કરવામાં આવે તો, બાંગ્લાદેશના નઝમુલ શાંતો પ્રથમ નંબર છે. તેણે 2 મેચમાં 193 રન બનાવ્યા છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ આ મામલે બીજા નંબર પર આવે છે. બાબરે 3 મેચમાં 168 રન બનાવ્યા છે. મહેંદી હસન ત્રીજા નંબર પર છે. હસને 3 મેચમાં 117 રન બનાવ્યા છે. ભારત માટે સૌથી વધુ રન હાર્દિક પંડ્યાએ બનાવ્યા છે. તેમણે 87 રન બનાવ્યા છે. રોહિત શર્મા 85 રન સાથે બીજા નંબર પર આવે છે.
બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને એશિયા કપ 2023ના પ્રથમ સુપર ફોર મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરીને 193 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 39.3 ઓવરમાં ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો છે. પાકિસ્તાનના બોલર્સે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમના ખેલાડી સૌથી વધુ વિકેટ લેવા મામલે અને સૌથી વધુ રન બનાવવા મામલે અત્યારે ઘણા પાછળ છે.