ઇમર્જિંગ એશિયા કપ 2024ની સેમિફાઇનલમાં ભારત-A ટીમને અફઘાનિસ્તાન-Aના સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે ટૂર્નામેન્ટમાં ટીમની સફર પણ સમાપ્ત થઈ ગઈ છે. અફઘાનિસ્તાને ભારતને 20 રને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા બુક કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયા 7 વિકેટ ગુમાવીને 186 રન જ બનાવી શકી હતી.
ટીમ ઈન્ડિયાનું સપનું ચકનાચૂર
207 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અભિષેક શર્મા માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી પ્રભસિમરન સિંહ પણ 19 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન તિલક વર્મા પણ બેટથી કંઈ ખાસ કરી શક્યો ન હતો અને 16 રન બનાવીને આઉટ થયો હતો. આયુષ બદોની અને નેહલ વાઢેરાએ અમુક હદ સુધી ઇનિંગ્સ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નેહલ 20 રન બનાવીને રનઆઉટ થયો હતો.
રમનદીપ સિંહે તોફાની બેટિંગ કરીને 64 રન બનાવ્યા
આ પછી રમનદીપ સિંહે ચાર્જ સંભાળ્યો અને અફઘાનિસ્તાનના બોલરોની ધોલાઈ કરી હતી. તોફાની શૈલીમાં બેટિંગ કરતા રમનદીપે 34 બોલમાં 64 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન રમનદીપે 8 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રમનદીપ મેચના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. આયુષ 24 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. છેલ્લી ઓવરોમાં નિશાંત સિંધુએ પણ 13 બોલમાં 23 રન ફટકાર્યા હતા, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. આ હાર સાથે ભારતનું ફાઈનલ રમવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે.
અફઘાનિસ્તાનના ઓપનરોએ ઘમાલ મચાવી
સેમિફાઇનલ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાન ટીમના ઝુબેદ અકબરી અને સિદીકુલ્લાહ અટલ તોફાની શરૂઆત કરી હતી. બન્નેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 14.1 ઓવરમાં 137 રનની પાર્ટનરશીપ કરી હતી. અકબરીએ 41 બોલમાં 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે અટલે 52 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 83 રન બનાવ્યા હતા. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા કરીમ જનાતનું પણ બેટ જોરદાર ચાલ્યું હતું અને 20 બોલમાં 41 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેના કારણે અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવવામાં સફળ રહી હતી.