એશિયા કપ 2025 માં ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. બિહારના રાજગીરમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં કેપ્ટન હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ પૂલ-Aની પોતાની બીજી મેચ પણ જીતી લીધી.


ચીન સામે જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરનારી ભારતીય ટીમે આ વખતે જાપાનને હરાવ્યું. પરંતુ ફરી એકવાર ટીમ ઈન્ડિયાને આ મેચમાં જીત માટે સંઘર્ષ કરવો પડ્યો અને જાપાન તરફથી કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડ્યો. ભારતે આ મેચ 3-2 થી જીતી અને આ સાથે પોતાના પૂલમાં પહેલું સ્થાન મેળવ્યું.

ભારતીય ટીમે કરી આક્રમક શરૂઆત

31 ઓગસ્ટ રવિવારના રોજ રાજગીરમાં પૂલ Aની મેચો રમાઈ હતી. આમાં ભારતનો સામનો જાપાન સામે થયો હતો, જે પૂલ તબક્કામાં તેના માટે વાસ્તવિક પડકાર હતો. આ મેચમાં પણ આ જ જોવા મળ્યું અને જાપાને ભારતને સરળતાથી જીતવા દીધું નહીં. પરંતુ ભારતીય ટીમે આ મેચમાં ખૂબ જ આક્રમક શરૂઆત કરી અને માત્ર 5 મિનિટમાં જ જાપાન પર 2-0ની લીડ મેળવી લીધી. મનદીપ સિંહે ચોથી મિનિટમાં પહેલો ગોલ કર્યો, જ્યારે કેપ્ટન હરમનપ્રીત સિંહે પાંચમી મિનિટે ગોલ કરીને લીડ બમણી કરી.

અહીંથી મેચ મુશ્કેલ બની ગઈ અને તેનું કારણ માત્ર જાપાનની લડાયક ભાવના જ નહીં પરંતુ ભારતીય ટીમની તકો ગુમાવવાની ભૂલો પણ હતી. પહેલા હાફ સુધી સ્કોરલાઈન 2-0 રહી અને ભારતીય ટીમ મજબૂત પકડ ધરાવતી હોય તેવું લાગતું હતું. પરંતુ પછી જાપાને બીજા ક્વાર્ટરમાં વાપસી કરી અને 38મી મિનિટે કોશી કાવાબીએ ગોલ કરીને સ્કોર 2-1 કર્યો. ભારતીય ટીમે ત્રીજા ગોલની શોધમાં પોતાના તમામ પ્રયત્નો કર્યા અને અંતે 46મી મિનિટે કેપ્ટન હરમનપ્રીતે પેનલ્ટી કોર્નર પર તે સફળતા મેળવી.

ભારતીય ટીમની સતત બીજી જીત

અહીંથી ટીમ ઈન્ડિયાનો વિજય નિશ્ચિત લાગતો હતો. પરંતુ 59મી મિનિટે કાવાબીએ ફરી ગોલ કરીને જાપાનને થોડી આશા આપી હતી પરંતુ ટીમ ઈન્ડિયાએ છેલ્લી મિનિટે જાપાનને બરાબરી કરતા અટકાવ્યું અને આ રીતે સતત બીજી જીત સાથે પુલમાં પહેલું સ્થાન મેળવ્યું. આ પહેલા ભારતીય ટીમે ચીનને 4-3થી હરાવ્યું હતું. આ મેચમાં પણ હરમનપ્રીત સિંહ જીતનો હીરો સાબિત થયો, જેને 3 ગોલ કર્યા. હવે ટીમ ઈન્ડિયાની છેલ્લી મેચ કઝાકિસ્તાન સામે હશે.


  • Follow us on: