• અફઘાનિસ્તાનની ટીમમાં ફાસ્ટ બોલરને ન લેવાયો
  • વિરાટ કોહલી સાથે તકરારને લઈને હતો ચર્ચામાં
  • પાકિસ્તાનમાં રમાશે એશિયાકપની ચાર મેચ

એશિયાકપ 2023 માટે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ જાહેર થઈ ચૂકી છે. 17 ખેલાડીઓની ટીમનું એલાન કરી દેવાયું છે. પણ નવી ટીમમાં બોલર નવીન ઉલ હકને કોઈ પ્રકારનું સ્થાન મળ્યું નથી. IPLની ટુર્નામેન્ટમાં લખનૌ સુપર જાયન્ટ તરફથી રમનારો ખેલાડી નવીન ઉલ હકે વિરાટ કોહલીને પરસેવો લેવડાવી દીધો હતો. એશિયાકપમાં ક્રિકેટ ફેન્સ ફરી એકવખત બન્ને વચ્ચેની ટક્કર જોવા માગતા હતા. પણ હવે તે જોવા મળશે નહીં.

ખેલાડીના નામની જોરશોરથી ચર્ચા

IPL ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે ગરમાવો જોવા મળ્યો હતો. પછી બન્ને ખેલાડીઓએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પરથી પણ એકબીજાને ટાર્ગેટ કર્યા હતા. અફઘાનિસ્તાન ટીમે તાજેતરમાં પાકિસ્તાન સામેની મેચ રમી હતી. હવે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ફાસ્ટ બોલરને ટીમમાં ન લેવાનો નિર્ણય કર્યો છે. જેની ક્રિકેટફેન્સમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે. અફઘાનિસ્તાનની ટીમમાં ફરીદ અહમદ, અજમતુલ્લાહ ઉમરજઈ, શદીદુલ્લાહ કમાલ અને વફાદાર મોમંદ સિલેક્ટ નથી થયા. આ ખેલાડીઓએ પાકિસ્તાનની સામે મેચ રમેલી હતી.

એશિયાકપનો ઉત્સાહ શરૂ થયો

તારીખ 30 ઓગસ્ટથી એશિયાકપ શરૂ થઈ રહ્યો છે. કુલ છ ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની છે. છ ટીમને બે ગ્રૂપમાં વિભાજીત કરાઈ છે. એ ગ્રૂપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ છે. જ્યારે બી ગ્રૂપમાં બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ તારીખ 17 સપ્ટેમ્બરના રોજ રમાશે. જ્યારે અફઘાનિસ્તાન પોતાની પહેલી મેચ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશની સામે રમશે. આ મેચ પાકિસ્તાનમાં લાહોરમાં રમાશે. 13માંથી 4 મેચ પાકિસ્તાનમાં રમાશે. જ્યારે 9 મેચ શ્રીલંકામાં રમાશે.

એશિયા કપ માટે અફઘાનિસ્તાનની ટીમ

હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન, રિયાઝ હસન, રહેમત શાહ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, ઇકરામ અલીખિલ, રાશિદ ખાન, ગુલબદ્દીન નાયબ, કરીમ જનાત, અબ્દુલ રહેમાન, શરાફુદ્દીન અશરફ, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, સુલામાન સફી, ફઝલહક ફારૂકી.

  • Follow us on: