જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય પુરુષ કબડ્ડી ટીમે ફાઈનલમાં ઈરાનને 40-34થી હરાવી ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ સાથે આજે કબડ્ડીમાં ભારતે ડબલ ગોલ્ડ મેળવ્યો છે. થોડા કલાક પહેલાં જ ભારતીય મહિલા ટીમે પણ ઈરાનને 37-34થી હરાવી ગોલ્ડ જીત્યો હતો.
ફાઈનલમાં ઈરાન સામે ભારતનો દબદબો
ભારત અને ઈરાન વચ્ચે ગોલ્ડ મેડલ માટે મુકાબલો થયો હતો. બંને ટીમો કબડ્ડીની એશિયાઈ સ્પર્ધામાં મજબૂત ટીમો તરીકે જાણીતી છે. ફાઈનલમાં ભારતે શરૂઆતથી જ પોતાના પોઈન્ટ મેળવવાની સાથે ઈરાન પર દબાણ જાળવી રાખ્યું અને અંતે 40-34ના અંતરથી મેચ જીતી લીધી. આ જીત સાથે ભારતીય પુરુષ ટીમે ફરી એકવાર એશિયન ગેમ્સમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
સેમિફાઈનલમાં થાઈલેન્ડને હરાવ્યું હતું
ભારતીય પુરુષ ટીમે ગોલ્ડ મેડલ મેચ પહેલાં સેમિફાઈનલમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે થાઈલેન્ડને 66-28થી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. ગ્રુપ સ્ટેજમાં પણ ભારતે જાપાન, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ અને ચાઈનીઝ તાઈપેઈ સામે જીત મેળવી હતી.
મહિલાઓ બાદ પુરુષ ટીમે પણ ગોલ્ડ જીત્યું
ભારત માટે 26 સપ્ટેમ્બર કબડ્ડીમાં સોનેરી દિવસ રહ્યો. સવારે ભારતીય મહિલા ટીમે ઈરાનને 37-34થી હરાવી ગોલ્ડ જીત્યું હતું. મહિલાઓએ આખી ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને ગોલ્ડ મેળવ્યો. ત્યારબાદ પુરુષ ટીમે પણ ઈરાનને હરાવી ગોલ્ડ જીતતા ભારતે કબડ્ડીમાં ગોલ્ડન ડબલ પૂરું કર્યું.
2018ની હાર બાદ ફરી મજબૂત વાપસી
ભારતીય પુરુષ કબડ્ડી ટીમે એશિયન ગેમ્સમાં લાંબા સમય સુધી દબદબો જાળવી રાખ્યો છે. ભારતે 2018 પહેલાં સતત સાત વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે 2018 જકાર્તા એશિયન ગેમ્સમાં ઈરાને ભારતની ગોલ્ડ મેડલની લાઈન તોડી હતી અને ભારત ચોથા સ્થાને રહ્યું હતું. 2023 હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે ફરી ગોલ્ડ જીતીને ટાઈટલ પાછું મેળવ્યું હતું.
હવે 2026માં પણ ઈરાનને ફાઈનલમાં હરાવીને ભારતીય પુરુષ ટીમે ફરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે પુરુષ કબડ્ડીમાં ભારતનો એશિયન ગેમ્સનો 9મો મેડલ થયો છે, જેમાં 8 ગોલ્ડ અને 1 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Asian games: પીવી સિંધુની શાનદાર શરૂઆત, એશિયન ગેમ્સમાં પ્રી-ક્વાર્ટરમાં એન્ટ્રી