એશિયન ગેમ્સ 2026માં ભારતે 3 ઓક્ટોબરના અંતિમ સ્પર્ધાત્મક દિવસે જોરદાર પ્રદર્શન કર્યું. ભારતના ખેલાડીઓએ એક જ દિવસમાં 5 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 9 મેડલ જીત્યા. આ સાથે ભારતનું આખું અભિયાન 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ, કુલ 85 મેડલ સાથે પૂરું થયું. ભારત મેડલ ટેબલમાં ચોથા નંબરે રહ્યું. ભારત અને ઉઝબેકિસ્તાનના ગોલ્ડની સંખ્યા 21-21 હતી, પરંતુ ભારતના સિલ્વર મેડલ વધુ હોવાથી ભારત આગળ રહ્યું.
હોકીમાં મલેશિયાને હરાવી ગોલ્ડ
દિવસનો સૌથી મોટો ગોલ્ડ ભારતીય મેન્સ હોકી ટીમે અપાવ્યો. ભારતે ફાઇનલમાં મલેશિયાને 5-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. ખાસ વાત એ છે કે ભારતે સતત બીજી એશિયન ગેમ્સમાં મેન્સ હોકીનો ગોલ્ડ જીત્યો છે. ભારતે આ જીત સાથે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક્સ માટે પણ ક્વાલિફાઈ કર્યું.
ક્રિકેટમાં પાકિસ્તાન સામે ગોલ્ડ
મેન્સ ક્રિકેટની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 19 રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. શ્રેયસ અય્યરની આગેવાનીમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર બનાવ્યો અને ત્યારબાદ બોલરોએ પાકિસ્તાનને લક્ષ્યાંક સુધી પહોંચવા દીધું નહીં. આ સાથે ભારતે એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટનો ગોલ્ડ સફળતાપૂર્વક ડિફેન્ડ કર્યો.
અમન સેહરાવતે રેસલિંગમાં ગોલ્ડ અપાવ્યો
રેસલિંગમાં અમન સેહરાવતે મેન્સ ફ્રીસ્ટાઇલ 57 કિલોમાં ગોલ્ડ જીત્યો. ફાઇનલમાં તેણે ઉત્તર કોરિયાના હાન ચોંગ સોંગને 11-7થી હરાવ્યો. અમન માટે આ ખાસ જીત રહી, કારણ કે 2022 એશિયન ગેમ્સમાં તેણે બ્રોન્ઝ જીત્યો હતો અને હવે ગોલ્ડમાં અપગ્રેડ કર્યું છે. તે મેન્સ 57 કિલો ફ્રીસ્ટાઇલમાં એશિયન ગેમ્સ ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યો.
કુમકુમ અને પ્રણવીનો ઐતિહાસિક ગોલ્ડ
તીરંદાજીમાંથી કુમકુમ અનિલ મોહોડે મહિલાઓની ઇન્ડિવિજ્યુઅલ રિકર્વમાં ગોલ્ડ જીત્યો. તેણે સાઉથ કોરિયાની ઓ યે-જિનને શૂટ-ઓફમાં 6-5થી હરાવી. કુમકુમ એશિયન ગેમ્સમાં આ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની અને આ સાથે તેને લૉસ એન્જલસ 2028 ઓલિમ્પિક્સ ક્વોટા પણ મળ્યો. ગોલ્ફમાં પ્રણવી ઉર્સે મહિલાઓની ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો. તે એશિયન ગેમ્સમાં વ્યક્તિગત ગોલ્ફ ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની.
સિલ્વર અને બ્રોન્ઝ પણ મળ્યા
મહિલાઓની ટીમ ગોલ્ફમાં પ્રણવી ઉર્સ, અદિતિ અશોક અને દીક્ષા ડાગરની ટીમે સિલ્વર જીત્યું. રેસલિંગમાં અંતિમ પંઘાલે 53 કિલોમાં સિલ્વર મેળવ્યું. જ્યારે તીરંદાજીમાંથી નીરજ ચૌહાણે મેન્સ ઇન્ડિવિજ્યુઅલ રિકર્વમાં બ્રોન્ઝ અને રેસલિંગમાં દીપક પુનિયાએ બ્રોન્ઝ જીત્યો.
85 મેડલ સાથે ભારત ચોથા નંબરે
આ રીતે ભારતે એશિયન ગેમ્સ 2026નું અભિયાન 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ સહિત કુલ 85 મેડલ સાથે પૂરું કર્યું. ભારત સતત બીજી એશિયન ગેમ્સમાં ચોથા નંબરે રહ્યું. 2022ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે 28 ગોલ્ડ સહિત કુલ 106 મેડલ જીત્યા હતા. આ વખતે કુલ મેડલની સંખ્યા 85 રહી, પરંતુ અંતિમ દિવસે 5 ગોલ્ડ સાથે ભારતે જોરદાર અંત કર્યો.
આ પણ વાંચો: Asian games: ગોલ્ડ સાથે મળી ઓલિમ્પિક્સની ટિકિટ, હોકીમાં મલેશિયાને હરાવી ભારતે કમાલ કરી