એશિયન ગેમ્સ 2026માં ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ચીન સામેની સેમિફાઈનલમાં ભારતને 1-3થી હારનો સામનો કરવો પડ્યો. ભારત તરફથી માત્ર સાત્વિકસાઈરાજ રેન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી પોતાની મેચ જીતી શકી. લક્ષ્ય સેન અને આયુષ શેટ્ટી સિંગલ્સમાં હારી ગયા, જ્યારે બીજા ડબલ્સમાં પણ ભારતને હાર મળી. આ મેડલ ભારત માટે ખાસ છે, કારણ કે પુરુષ ટીમ ઈવેન્ટમાં ભારતે સતત બીજી એશિયન ગેમ્સમાં મેડલ જીત્યો છે. 2023માં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો. હવે 2026માં બ્રોન્ઝ સાથે ભારતે ટીમ ઈવેન્ટમાં સતત બીજી વખત પોડિયમ ફિનિશ કર્યું છે. આ સિદ્ધિ 40 વર્ષ બાદ જોવા મળી છે. અગાઉ ભારતે 1982 અને 1986ની એશિયન ગેમ્સમાં પુરુષ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
લક્ષ્ય સેન શરૂઆતમાં જ ચીન સામે અટક્યો
સેમિફાઈનલની પ્રથમ મેચમાં લક્ષ્ય સેનનો સામનો વર્લ્ડ નંબર-6 શી યુ કી સામે થયો હતો. લક્ષ્ય વર્લ્ડ નંબર-14 છે. ભારતને મેચમાં શરૂઆતથી જ મુશ્કેલી પડી અને લક્ષ્ય 16-21, 18-21થી હારી ગયો. આ હાર સાથે ચીને મુકાબલામાં 1-0ની લીડ મેળવી લીધી. લક્ષ્યે ક્વાર્ટર ફાઈનલમાં જાપાનના વર્લ્ડ નંબર-7 કોડાઈ નારાઓકાને હરાવીને ભારતને સેમિફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે મેચમાં લક્ષ્ય એક ગેમ અને નિર્ણાયક ગેમમાં 14-19થી પાછળ હતો, છતાં તેણે જોરદાર કમબેક કરીને 11-21, 21-5, 21-19થી જીત મેળવી હતી.
સાત્વિક-ચિરાગે વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યા
લક્ષ્યની હાર બાદ સાત્વિકસાઈરાજ રેન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટી કોર્ટ પર ઉતર્યા. તેમની સામે વર્લ્ડ ચેમ્પિયન અને પેરિસ ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગની જોડી હતી. સાત્વિક-ચિરાગે શાનદાર રમત બતાવીને આ મેચ 21-11, 22-20થી જીતી લીધી. આ જીત સાથે ભારતે સ્કોર 1-1થી બરાબર કરી દીધો અને મેચ ફરી રોમાંચક બની ગઈ.
આયુષ શેટ્ટી પણ ચીનના ખેલાડી સામે હાર્યો
ત્રીજી મેચમાં ભારતના યુવા ખેલાડી આયુષ શેટ્ટીનો મુકાબલો વર્લ્ડ નંબર-12 લી શી ફેંગ સામે થયો. આયુષે શરૂઆતમાં ટક્કર આપી, પરંતુ ચીનના ખેલાડીએ બંને ગેમમાં મહત્વના તબક્કે પોઈન્ટ મેળવીને મેચ પોતાના નામે કરી. આયુષ 19-21, 13-21થી હારી ગયો. આ સાથે ચીનને ફરી 2-1ની લીડ મળી અને ભારત પર સેમિફાઈનલમાંથી બહાર થવાનું દબાણ વધી ગયું.
બીજા ડબલ્સમાં પણ ભારતને સફળતા ન મળી
ચીનને ફાઈનલમાં પહોંચવા માટે માત્ર એક જીતની જરૂર હતી. ચોથા મુકાબલામાં ભારત તરફથી હરિહરન અમ્સાકરુણન અને એમઆર અર્જુનની જોડી કોર્ટ પર ઉતરી. તેમની સામે ચીનની હે જી ટિંગ અને લિયુ યીની જોડી હતી. ભારતીય જોડી પ્રથમ ગેમ 16-21થી હારી, પરંતુ બીજી ગેમમાં 21-17થી કમબેક કર્યું. જોકે નિર્ણાયક ત્રીજી ગેમમાં ચીનની જોડીએ 21-9થી જીત મેળવી અને સેમિફાઈનલ 3-1થી પોતાના નામે કરી લીધી. આ સાથે ભારતનું ફાઈનલમાં પહોંચવાનું સપનું તૂટી ગયું અને બ્રોન્ઝ મેડલ સાથે અભિયાન પૂરું થયું.
જાપાન સામેની જીતથી મેડલ થયો હતો પાક્કો
ભારતે ક્વાર્ટર ફાઈનલમાં યજમાન જાપાનને 3-0થી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. લક્ષ્ય સેન, સાત્વિક-ચિરાગ અને આયુષ શેટ્ટીએ સતત ત્રણ મેચ જીતીને ભારતને સેમિફાઈનલમાં પહોંચાડ્યું હતું. આ જીત સાથે ભારતનો મેડલ પણ પાક્કો થઈ ગયો હતો.
ચીન સામે સેમિફાઈનલમાં હાર છતાં ભારતીય પુરુષ ટીમે એશિયન ગેમ્સમાં સતત બીજી વખત ટીમ ઈવેન્ટનો મેડલ જીત્યો છે. હવે ભારત પાસે વ્યક્તિગત ઈવેન્ટ્સમાં પણ મેડલ જીતવાની તક રહેશે.
આ પણ વાંચો: Netherlandsને મળ્યા નવા હેડ કોચ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરને સોંપાઈ જવાબદારી