જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારત માટે શુક્રવારનો દિવસ મેડલની દૃષ્ટિએ ખાસ રહ્યો. એથ્લેટિક્સમાં મનપ્રીત કૌરે મહિલાઓની શોટપુટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જ્યારે માનુષ શાહ અને દિયા ચિતલેએ ટેબલ ટેનિસના મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. બંને મેડલના કારણે ભારતની કુલ મેડલ સંખ્યા 23 પર પહોંચી ગઈ છે.
મનપ્રીત કૌરનો 17.17 મીટરનો થ્રો
મહિલાઓની શોટપુટ ફાઈનલમાં 36 વર્ષની મનપ્રીત કૌરે 17.17 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. મનપ્રીત માટે આ એશિયન ગેમ્સનો પહેલો મેડલ છે. મનપ્રીતે શરૂઆત 16.32 મીટરના થ્રોથી કરી હતી. ત્યારબાદ તેના થ્રોમાં સુધારો થતો ગયો અને ચોથા પ્રયાસમાં 17.17 મીટરનો થ્રો કરીને તેણે ત્રીજું સ્થાન નિશ્ચિત કર્યું. તેનો છઠ્ઠો પ્રયાસ ફાઉલ રહ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બ્રોન્ઝ તેના નામે થઈ ચૂક્યો હતો. આ ઈવેન્ટમાં ચીનની સોંગ જિયાયુઆને 19.40 મીટરના થ્રો સાથે ગોલ્ડ અને ઝાંગ લિનરુએ 18.14 મીટર સાથે સિલ્વર જીત્યો. ભારતની બીજી ખેલાડી કૃષ્ણા જયશંકર મેનન 16.57 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પાંચમા સ્થાને રહી.
મનપ્રીતનું લાંબા સમય બાદ પોડિયમ પર વાપસી
મનપ્રીતનો પર્સનલ બેસ્ટ 18.06 મીટર છે, જે તેણે 2022માં નોંધાવ્યો હતો. 2023ની એશિયન ચેમ્પિયનશિપમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2023ની એશિયન ગેમ્સમાં મનપ્રીત પાંચમા સ્થાને રહી હતી. આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં પણ તે મેડલની નજીક પહોંચી હતી, પરંતુ 17.49 મીટરના થ્રો સાથે ચોથા સ્થાને રહી હતી. હવે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ સાથે તેણે ફરી મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર પોડિયમ ફિનિશ મેળવી છે.
માનુષ-દિયાએ ટેબલ ટેનિસમાં રચ્યો ઈતિહાસ
બીજી તરફ માનુષ શાહ અને દિયા ચિતલેની જોડીએ ટેબલ ટેનિસના મિક્સ્ડ ડબલ્સમાં ભારત માટે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો. ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય જોડીએ હોંગકોંગની વર્લ્ડ નંબર-4 જોડી વોંગ ચુન ટિંગ અને ડૂ હોઈ કેમને 3-1થી હરાવીને મેડલ પાક્કો કર્યો હતો. ભારતીય જોડીએ આ મેચ 11-6, 13-15, 11-9, 11-5થી જીતી હતી.
સેમિફાઈનલમાં ચીન સામે હાર, છતાં બ્રોન્ઝ પાક્કો
સેમિફાઈનલમાં માનુષ અને દિયાનો સામનો ચીનની ઓલિમ્પિક ચેમ્પિયન જોડી વાંગ ચૂકિન અને સન યિંગશા સામે થયો. ભારતીય જોડીને આ મેચમાં 8-11, 5-11, 8-11, 2-11થી હાર મળી. જોકે, મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ માટે અલગથી મેચ રમાતી નથી. તેથી સેમિફાઈનલમાં પહોંચતાની સાથે જ ભારતનો બ્રોન્ઝ મેડલ પાક્કો થઈ ગયો હતો. આ એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સમાં ભારતનો માત્ર બીજો મેડલ છે. અગાઉ 2018ની જકાર્તા એશિયન ગેમ્સમાં શરથ કમલ અને મનિકા બત્રાએ બ્રોન્ઝ જીત્યો હતો.
મનપ્રીત કૌર અને માનુષ-દિયા જોડીએ જીતેલા બંને બ્રોન્ઝથી એશિયન ગેમ્સમાં ભારતની મેડલ ટેલી વધુ મજબૂત થઈ છે. ખાસ વાત એ છે કે બંને મેડલ અલગ-અલગ રમતોમાંથી આવ્યા છે. એક તરફ એથ્લેટિક્સમાં મનપ્રીતે શોટપુટમાં પોડિયમ મેળવ્યું, તો બીજી તરફ ટેબલ ટેનિસમાં માનુષ અને દિયાએ ભારતને ઐતિહાસિક મેડલ અપાવ્યો.
આ પણ વાંચો: MS DHONI પાસેથી શીખ્યો હતો આ ફોર્મ્યુલા, મોઈન અલીએ CPL ફાઈનલમાં કરી દીધો કમાલ