આઈચી-નાગોયા એશિયન ગેમ્સના 11મા દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી છે. મહિલા ટ્રેપ ટીમ ઈવેન્ટમાં નીરુ ધાંડા, મનીષા કીર અને આશિમા અહલાવતની ટીમે સિલ્વર મેડલ જીત્યો. બીજી તરફ રેકર્વ તીરંદાજ નીરજ ચૌહાણે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અનેક મેડલ જીતી ચૂકેલા રિપબ્લિક ઓફ કોરિયાના કિમ જે ડેઓકને હરાવીને ભારતની ગોલ્ડ મેડલની આશા વધારી છે. મહિલા સ્ક્વોશ ટીમે પણ ગ્રુપ સ્ટેજમાં ઈરાનને 3-0થી હરાવ્યું.
એથ્લેટિક્સ કાર્યક્રમનો આજે અંતિમ દિવસ છે અને કુલ 9 ફાઈનલમાં ભારતીય ખેલાડીઓ અથવા ટીમો ભાગ લેશે. પોલ વોલ્ટમાં દેવ કુમાર મીણા અને કુલદીપ કુમાર, મહિલા હાઈ જમ્પમાં પૂજા અને સુપ્રિયા બાસવરાજુ મેદાનમાં ઉતરશે. બે મેડલ જીતી ચૂકેલા ગુલવીર સિંહ અને અવિનાશ સાબલે પુરુષોની 5000 મીટરની ફાઈનલમાં ભાગ લેશે. હેમર થ્રોમાં અનુષ્કા યાદવ અને તાન્યા ચૌધરી પણ મેડલ માટે ઉતરશે. આ ઉપરાંત પુરુષો અને મહિલાઓની 800 મીટર, 4x400 અને 4x100 મિક્સ્ડ રિલેની ફાઈનલ પણ યોજાશે.
