જાપાનના આઈચી-નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સ 2026માં યુવા ખેલાડીઓએ ખાસ છાપ છોડી છે. હવે ચીનની માત્ર 13 વર્ષની સ્વિમર યુ જિડી અને થાઈલેન્ડના 20 વર્ષના સ્પ્રિન્ટર પુરીપોલ બૂનસનને આ રમતોના મહિલા અને પુરુષ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એટલે કે MVP પસંદ કરવામાં આવ્યા છે. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA)એ 4 ઓક્ટોબરે બંનેના નામની જાહેરાત કરી હતી. બંને ખેલાડીઓને USD 25,000નું એટલે કે અંદાજે ₹24 લાખનું ઇનામ મળશે

3 ગોલ્ડ સાથે યુ જિડીનો કમાલ

યુ જિડી માટે આ એશિયન ગેમ્સ યાદગાર રહી. માત્ર 13 વર્ષની ઉંમરે તેણે સ્વિમિંગની 3 વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા. તેણે મહિલાઓની 200 મીટર બટરફ્લાય, 200 મીટર વ્યક્તિગત મેડલે અને 400 મીટર વ્યક્તિગત મેડલેમાં ગોલ્ડ મેળવ્યો. 20 સપ્ટેમ્બરે 200 મીટર બટરફ્લાયમાં યુ જિડીને 2:05.08નો સમય લાગ્યો અને તેણે ગેમ્સ રેકોર્ડ બનાવ્યો. બીજા જ દિવસે 200 મીટર વ્યક્તિગત મેડલેમાં તેણે 2:06.10નો સમય નોંધાવ્યો. આ પ્રદર્શનથી તેણે ગેમ્સ રેકોર્ડની સાથે એશિયન રેકોર્ડ પણ તોડ્યો. 23 સપ્ટેમ્બરે 400 મીટર વ્યક્તિગત મેડલેમાં 4:28.56ના સમય સાથે વધુ એક ગોલ્ડ જીત્યો. આ સાથે તેણે પોતાની 3 ગોલ્ડની હેટ્રિક પૂરી કરી અને આ ઇવેન્ટમાં પણ ગેમ્સ રેકોર્ડ બનાવ્યો. એટલે કે 3 ગોલ્ડ સાથે યુ જિડીના નામે કુલ 3 ગેમ્સ રેકોર્ડ અને 1 એશિયન રેકોર્ડ નોંધાયો.

બૂનસને ટ્રેક પર મચાવી ધમાલ

થાઈલેન્ડના પુરીપોલ બૂનસને એથ્લેટિક્સમાં 100 મીટર અને 200 મીટર બંનેમાં ગોલ્ડ જીતીને સ્પ્રિન્ટ ડબલ પૂર્ણ કર્યું. 25 સપ્ટેમ્બરે 100 મીટરની ફાઇનલમાં તેણે 9.90 સેકન્ડનો સમય નોંધાવ્યો અને ગોલ્ડ જીત્યો. સેમિફાઇનલમાં બનાવેલા 9.91 સેકન્ડના ગેમ્સ રેકોર્ડને પણ તેણે ફાઇનલમાં વધુ સુધાર્યો. ત્યારબાદ 27 સપ્ટેમ્બરે 200 મીટરમાં પણ બૂનસને શાનદાર જીત મેળવી. તેણે 19.88 સેકન્ડનો સમય નોંધાવ્યો. આ સાથે તેણે અગાઉ બનાવેલો 20.10 સેકન્ડનો ગેમ્સ રેકોર્ડ તોડ્યો અને એશિયન રેકોર્ડની બરાબરી કરી.

રેકોર્ડની સાથે રિલેમાં પણ મેડલ

બૂનસનનું પ્રદર્શન માત્ર 2 ગોલ્ડ સુધી સીમિત રહ્યું નહોતું. તેણે થાઈલેન્ડની મિક્સ્ડ 4x100 મીટર રિલે ટીમ સાથે સિલ્વર મેડલ પણ જીત્યો. તેના સમગ્ર અભિયાન દરમિયાન તેણે કુલ 4 એશિયન ગેમ્સ રેકોર્ડ બનાવ્યા અને 1 એશિયન રેકોર્ડની બરાબરી કરી. 100 મીટરમાં 9.90 સેકન્ડનું પ્રદર્શન ખાસ રહ્યું. વર્લ્ડ એથ્લેટિક્સના રિપોર્ટ મુજબ તે એશિયન સ્પ્રિન્ટર્સની ઓલ-ટાઇમ યાદીમાં પણ બીજા સ્થાને પહોંચ્યો હતો.

OCAએ બંનેની પસંદગી કેમ કરી

OCAના MVP એવોર્ડ પેનલે બંને ખેલાડીઓના ગોલ્ડ મેડલ અને રેકોર્ડબ્રેકિંગ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેમની પસંદગી કરી. OCA મુજબ બંનેએ આ ગેમ્સ દરમિયાન માત્ર મેડલ જ જીત્યા નથી, પરંતુ એશિયન ગેમ્સ અને એશિયન સ્તરના રેકોર્ડમાં પણ પોતાની છાપ છોડી છે. આ સાથે યુ જિડી એશિયન ગેમ્સના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરની MVP બની છે. 2026ની ગેમ્સ બાદ હવે બંને ખેલાડીઓની નજર 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સ પર રહેશે. OCAએ પણ કહ્યું છે કે આ પ્રદર્શન બંનેની આગળની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માટે મહત્વનું પગથિયું બની શકે છે.

આ પણ વાંચો: Asian games: ક્લોઝિંગ સેરેમનીમાં ભારતની ધ્વજવાહક બની નીરુ ધાંડા, જાણો 21મી એશિયન ગેમ્સનું આયોજન ક્યાં થશે?