એશિયન ગેમ્સ 2026માં ભારતીય પુરુષ હોકી ટીમે અત્યાર સુધી જોરદાર પ્રદર્શન કર્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે પૂલ-Aમાં પોતાની તમામ 5 મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે ગુરુવાર, 1 ઓક્ટોબરે ભારતનો સામનો પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે થશે. મેચ જાપાનના કાકામિગહારા ખાતે ભારતીય સમય મુજબ બપોરે 1:00 વાગ્યે શરૂ થશે. ભારતે ટૂર્નામેન્ટની શરૂઆત ઇન્ડોનેશિયા સામે 13-1ની જીતથી કરી હતી. ત્યારબાદ શ્રીલંકાને 16-1થી હરાવ્યું. દક્ષિણ કોરિયા સામે ભારતે 8-2થી જીત મેળવી, જે એશિયન ગેમ્સમાં કોરિયા સામે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે. યજમાન જાપાન સામે ભારતને 2-0થી જીત મળી અને છેલ્લી પૂલ મેચમાં બાંગ્લાદેશને 10-0થી હરાવ્યું.
હરમનપ્રીત-દિલપ્રીતનો ગોલનો ધમાકો
ભારતના અત્યાર સુધીના અભિયાનમાં તેની આક્રમક રમત સૌથી મોટી ખાસિયત રહી છે. દિલપ્રીત સિંહે 9 ગોલ કર્યા છે અને તે ટૂર્નામેન્ટના ટોપ સ્કોરર્સમાં સામેલ છે. અભિષેક અને કેપ્ટન હરમનપ્રીત સિંહે પણ 8-8 ગોલ કર્યા છે. હરમનપ્રીત માટે પેનલ્ટી કોર્નર ખાસ હથિયાર છે. તેમની ડ્રેગ-ફ્લિક પાકિસ્તાન સામે પણ ભારત માટે મહત્વની બની શકે છે. જોકે સામે પાકિસ્તાન પાસે પણ પેનલ્ટી કોર્નરમાંથી ગોલ કરવાની મજબૂત ક્ષમતા છે.
પાકિસ્તાન મલેશિયા સામે હાર્યું, છતાં ખતરો મોટો
પાકિસ્તાને પૂલ-Bમાં શરૂઆતની મેચોમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે થાઈલેન્ડને 9-0, ઉઝબેકિસ્તાનને 5-1, ચીનને 3-0 અને ઓમાનને 7-2થી હરાવ્યું હતું. પરંતુ મલેશિયા સામે પાકિસ્તાનને 4-5થી હાર મળી. આ પરિણામના કારણે તે પૂલમાં બીજા સ્થાને રહ્યું અને સેમિફાઇનલમાં ભારત સામે મુકાબલો નક્કી થયો. પાકિસ્તાનનો સુફિયાન ખાન અત્યાર સુધીમાં 11 ગોલ સાથે ટૂર્નામેન્ટનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. ખાસ કરીને પેનલ્ટી કોર્નરમાં તેમની ભૂમિકા ભારત માટે મોટો પડકાર બની શકે છે. બીજી તરફ ભારતે પણ અત્યાર સુધી સતત ગોલ કરીને પોતાની આક્રમક શક્તિ બતાવી છે.
રાજ કુમાર પાલ નહીં રમે
સેમિફાઇનલ પહેલાં ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. મિડફિલ્ડર રાજ કુમાર પાલ બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થતાં હવે પાકિસ્તાન સામે નહીં રમે. તેમના સ્થાને ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે રહેલા નીલકાંત શર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. નીલકાંતને ઓલિમ્પિક્સ અને વર્લ્ડ કપ રમવાનો અનુભવ છે. મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટને પણ તેમના અનુભવને ટીમ માટે ઉપયોગી ગણાવ્યો છે.
હરીફાઈ વચ્ચે ફાઇનલની ટિકિટ
ભારત અને પાકિસ્તાન વચ્ચેની હોકી મેચ માત્ર સેમિફાઇનલ નથી, પરંતુ બંને ટીમો વચ્ચેની લાંબી હરીફાઈનો વધુ એક અધ્યાય છે. પાકિસ્તાને છેલ્લે 2016ની સાઉથ એશિયન ગેમ્સની ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. ત્યારથી ભારતે પાકિસ્તાન સામે હારનો સામનો કર્યો નથી. હવે ભારત પાસે સતત સારા પ્રદર્શનને આગળ વધારીને ફાઇનલમાં પહોંચવાની તક છે. સેમિફાઇનલ જીતશે તે ટીમ ગોલ્ડ મેડલ માટે ફાઇનલમાં રમશે. ભારત માટે જીતનો અર્થ એ પણ હશે કે તે એશિયન ગેમ્સના પોતાના ખિતાબને બચાવવાથી માત્ર એક જીત દૂર રહેશે. ભારતીય કોચ ક્રેગ ફુલ્ટને પણ સ્પષ્ટ કર્યું છે કે ટીમનું ધ્યાન માત્ર મુકાબલા પર રાખવાનું છે. પેનલ્ટી કોર્નર એટેક, ડિફેન્સ અને પોતાની ગેમ પ્લાન પર કામ કરીને ભારત મેદાનમાં ઉતરશે.
અન્ય સેમિફાઇનલમાં મલેશિયા-દક્ષિણ કોરિયા
ભારત અને પાકિસ્તાન વચ્ચેની પ્રથમ સેમિફાઇનલ બાદ બીજી સેમિફાઇનલમાં મલેશિયા અને દક્ષિણ કોરિયા સામસામે આવશે. ભારત-પાકિસ્તાન મેચ જીતનાર ટીમ ગોલ્ડ મેડલ માટેની ફાઇનલમાં પહોંચશે. પુરુષ હોકીની ગોલ્ડ મેડલ મેચ 3 ઓક્ટોબરે રમાશે.
આ પણ વાંચો: Asian Games 2026: નીરુ ધાંડા વ્યક્તિગત ગોલ્ડ જીતનારી ભારતની પ્રથમ ખેલાડી, 48 વર્ષ બાદ ભારતને મળ્યો આ ગોલ્ડ