એશિયન ગેમ્સ 2026માં ભારતના કમ્પાઉન્ડ આર્ચરી અભિયાનનો અંત બ્રોન્ઝ મેડલ સાથે થયો છે. ગણેશ મણિરત્નમ થિરુમુરુએ પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ આર્ચરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 1 ઓક્ટોબરના રોજ આયચી-નાગોયામાં રમાયેલી બ્રોન્ઝ મેડલ મેચમાં ગણેશે વિયેતનામના કોંગ ડુક ડાંગને 149-144થી હરાવ્યો હતો. આ જીત સાથે ગણેશ આ એશિયન ગેમ્સમાં પોતાનો બીજો મેડલ જીતવામાં સફળ રહ્યો છે. આ પહેલાં તે ભારતની ગોલ્ડ મેડલ જીતનારી પુરુષોની કમ્પાઉન્ડ ટીમનો હિસ્સો હતો.

15માંથી 14 શોટ 10ના નિશાન પર

બ્રોન્ઝ મેડલ મેચમાં ગણેશે શરૂઆતથી જ શાનદાર સચોટતા બતાવી હતી. તેણે પોતાના કુલ 15 શોટમાંથી 14 શોટમાં 10 પોઈન્ટ મેળવ્યા હતા. આ લગભગ પરફેક્ટ પ્રદર્શનના કારણે તે આખી મેચમાં વિયેતનામના તીરંદાજ પર દબાણ જાળવી શક્યો હતો. મેચની શરૂઆત પણ ગણેશ માટે શાનદાર રહી. તેણે પ્રથમ શોટમાં 10 પોઈન્ટ મેળવ્યા, જ્યારે કોંગ ડુક ડાંગે 8 પોઈન્ટથી શરૂઆત કરી. ત્યારબાદ વિયેતનામના ખેલાડીએ સતત 2 વખત 10 પોઈન્ટ મેળવ્યા, પરંતુ ગણેશે પણ બંને શોટમાં 10-10 પોઈન્ટ મેળવી પોતાની લીડ જાળવી રાખી. પ્રથમ એન્ડ પૂરો થયો ત્યારે ગણેશે 30/30નો સ્કોર કર્યો હતો, જ્યારે કોંગનો સ્કોર 29 હતો. આ એક પોઈન્ટની લીડ બાદ ભારતીય તીરંદાજે પોતાની સચોટતા જાળવી રાખી અને અંતે 5 પોઈન્ટના અંતરથી મેચ જીતી લીધી. 

સેમિફાઇનલમાં ગોલ્ડથી ચૂકી ગયો હતો

ગણેશ માટે બ્રોન્ઝ સુધી પહોંચવાનો રસ્તો સરળ રહ્યો નહોતો. સેમિફાઇનલમાં તેનો મુકાબલો દક્ષિણ કોરિયાના કિમ જોન્ગહો સામે થયો હતો. આ મેચમાં ગણેશને 144-148થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારના કારણે તે ગોલ્ડ મેડલ મેચમાં પહોંચી શક્યો નહોતો અને તેને બ્રોન્ઝ મેડલ માટે રમવું પડ્યું હતું. સેમિફાઇનલની હાર બાદ ગણેશે બ્રોન્ઝ મેડલ મેચમાં શાનદાર વાપસી કરી. તેણે લગભગ ભૂલ વગરનું શૂટિંગ કરીને 149 પોઈન્ટનો સ્કોર બનાવ્યો અને વિયેતનામના ખેલાડીને 144 પોઈન્ટ પર રોકી દીધો.

કમ્પાઉન્ડ આર્ચરીમાં ભારતના 4 મેડલ

ગણેશના બ્રોન્ઝ સાથે એશિયન ગેમ્સ 2026માં ભારતે કમ્પાઉન્ડ આર્ચરીમાં કુલ 4 મેડલ જીત્યા છે. તેમાં 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ગણેશનો બ્રોન્ઝ 4મો મેડલ રહ્યો. ખાસ વાત એ છે કે આમાંથી 3 ગોલ્ડ મેડલ ભારતે 30 સપ્ટેમ્બરના રોજ જીત્યા હતા. ભારતીય કમ્પાઉન્ડ આર્ચર્સે ટીમ ઇવેન્ટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગણેશ પણ પુરુષોની ગોલ્ડ મેડલ જીતનારી ટીમમાં સામેલ હતો. 

ભારતના મેડલ ખાતામાં 63મો મેડલ

ગણેશ મણિરત્નમના બ્રોન્ઝ મેડલથી ભારતની એશિયન ગેમ્સ 2026ની કુલ મેડલ સંખ્યા 63 પર પહોંચી છે. તેમાં 10 ગોલ્ડ, 22 સિલ્વર અને 31 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ સાથે કમ્પાઉન્ડ આર્ચરીનું ભારતનું અભિયાન પૂરું થયું છે. હવે ભારતીય તીરંદાજોની નજર રિકર્વ ઇવેન્ટ્સ પર રહેશે, જે 2 ઓક્ટોબરથી શરૂ થવાની છે


આ પણ વાંચો: Asian games: દરિયાની લહેરો વચ્ચે ભારતનો ધમાકો, મનુ ફ્રાન્સિસ અને પ્રિન્સ નોબલે જીત્યો સિલ્વર મેડલ