એશિયન ગેમ્સ 2026માં જ્યારે અનાહત સિંહ સ્ક્વોશ કોર્ટ પર રમવા ઉતરી ત્યારે એક વાત ખાસ જોવા મળી. તે અન્ય ઘણા ખેલાડીઓથી અલગ રીતે આંખો પર પ્રોટેક્ટિવ ચશ્માં પહેરીને રમતી હતી. ઘણા લોકોને લાગ્યું કે કદાચ અનાહતને આંખોની કોઈ સમસ્યા હશે, પરંતુ એવું નથી. અનાહતનો જન્મ 13 માર્ચ 2008ના રોજ થયો છે અને તે હાલમાં 18 વર્ષની છે. સ્ક્વોશના નિયમો પ્રમાણે 19 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટે મેચ દરમિયાન પ્રોટેક્ટિવ આઈવેર પહેરવું ફરજિયાત છે. આ નિયમ ખેલાડી જુનિયર ટૂર્નામેન્ટમાં રમે કે સિનિયર ખેલાડીઓ સામે રમે, બંને સ્થિતિમાં લાગુ પડે છે.

સિનિયર એશિયન ગેમ્સમાં પણ નિયમ લાગુ પડે છે

અનાહત એશિયન ગેમ્સ જેવી મોટી સિનિયર સ્પર્ધામાં રમી રહી હતી, છતાં તેની ઉંમર 19 વર્ષથી ઓછી હોવાથી આ નિયમમાંથી તેને છૂટ મળતી નથી. વર્લ્ડ સ્ક્વોશના નિયમોમાં જુનિયર ખેલાડીઓ માટે પ્રોટેક્ટિવ આઈવેર ફરજિયાત રાખવામાં આવ્યું છે. ડબલ્સ મેચમાં તો ખેલાડીની ઉંમર ભલે ગમે તેટલી હોય, તમામ ખેલાડીઓ માટે યોગ્ય આઈ પ્રોટેક્શન ફરજિયાત છે. સિંગલ્સમાં પુખ્ત ખેલાડીઓ માટે આઈવેરની ભલામણ કરવામાં આવે છે, પરંતુ તે ફરજિયાત નથી.

સ્ક્વોશમાં આંખોની સુરક્ષા કેમ જરૂરી છે?

સ્ક્વોશ કોર્ટ નાનો હોય છે અને બંને ખેલાડીઓ ખૂબ ઝડપથી એકબીજાની નજીકથી આગળ-પાછળ થાય છે. બોલ પણ ખૂબ ઝડપથી ખેલાડી તરફ આવી શકે છે. આવી સ્થિતિમાં બોલ અથવા રેકેટ આંખ સાથે અથડાય તો ગંભીર ઈજા થઈ શકે છે. આ જ કારણસર વર્લ્ડ સ્ક્વોશ તમામ ખેલાડીઓને પ્રોટેક્ટિવ આઈવેર પહેરવાની ભલામણ કરે છે. ખાસ કરીને જુનિયર ખેલાડીઓ માટે તેને ફરજિયાત કરવામાં આવ્યું છે.

કોઈપણ ચશ્માં પહેરી શકાય નહીં

સ્ક્વોશમાં પહેરવામાં આવતા પ્રોટેક્ટિવ ચશ્માં પણ સામાન્ય સનગ્લાસ કે સામાન્ય નંબરના ચશ્માં જેવા નથી. આ માટે ચોક્કસ સેફ્ટી સ્ટાન્ડર્ડ ધરાવતા આઈ પ્રોટેક્ટર્સનો ઉપયોગ કરવો પડે છે. ISO 18527-2:2021 સ્ક્વોશ અને સ્ક્વોશ 57 જેવા રમતો માટેના આઈ પ્રોટેક્ટર્સની સામગ્રી, કામગીરી અને ટેસ્ટિંગ માટે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ નક્કી કરે છે. સામાન્ય નંબરના ચશ્માંને સ્ક્વોશ માટે યોગ્ય સેફ્ટી આઈવેર માનવામાં આવતા નથી.

અનાહતે એશિયન ગેમ્સમાં રચ્યો ઈતિહાસ

અનાહત સિંહે એશિયન ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો. તે એશિયન ગેમ્સના મહિલા સિંગલ્સ સ્ક્વોશ ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની. સેમિફાઈનલમાં તેણે જાપાનની વર્લ્ડ નંબર 6 સતામી વતાનાબે સામે 0-2થી પાછળ પડ્યા બાદ જોરદાર વાપસી કરી હતી. અનાહતે મેચ 9-11, 11-13, 12-10, 11-6, 11-3થી જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ફાઈનલમાં જોકે મલેશિયાની સિવસાંગરી સુબ્રમણિયમ સામે અનાહતને 4-11, 4-11, 7-11થી હાર મળી. તેમ છતાં સિલ્વર મેડલ સાથે તેણે ભારતીય સ્ક્વોશમાં નવો ઈતિહાસ રચ્યો.

19 વર્ષની થયા બાદ શું બદલાશે?

અનાહત 19 વર્ષની થયા બાદ મહિલા સિંગલ્સમાં પ્રોટેક્ટિવ ચશ્માં પહેરવાનો નિર્ણય પોતાની રીતે લઈ શકશે, કારણ કે પુખ્ત સિંગલ્સ ખેલાડીઓ માટે આઈવેર ફરજિયાત નથી. જોકે વર્લ્ડ સ્ક્વોશ તમામ ખેલાડીઓને સુરક્ષા માટે પ્રોટેક્ટિવ આઈવેર પહેરવાની ભલામણ કરે છે.


આ પણ વાંચો: Asian Games 2026 Medal Tally : મેડલ ટેલીમાં ભારતે લગાવી છલાંગ,જાણો કયા સ્થાને