કઝાકિસ્તાનમાં રમાઈ રહેલી એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024ની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે દક્ષિણ કોરિયાને 3-2થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં તેનો પ્રથમ મેડલ મેળવ્યો છે. એક સમયે ભારતીય ટીમ 2-0થી આગળ હતી, પરંતુ દક્ષિણ કોરિયાએ શાનદાર વાપસી કરીને મેચને રોમાંચક બનાવી દીધી હતી.
પ્રથમવાર સેમીફાઈનલમાં પહોંચ્યું ભારત
આયિકા મુખર્જી અને મનિકા બત્રાએ પોતપોતાની રમત જીતીને ટીમ ઈન્ડિયાને 2-0ની લીડ અપાવી હતી. એક તરફ મુખર્જીએ શિન યુબીને 11-9, 7-11, 12-10, 7-11, 11-7થી હરાવી હતી. બીજી તરફ, મનિકા બત્રાએ રોમાંચક રીતે જીઓન જીહીને 12-11, 13-11, 11-5, 5-11, 12-10થી હરાવી હતી. આ પછી શ્રીકા અકુલાને તેની રમતમાં 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મનિકા નજીકની મેચમાં શિન યુબીના હાથે 3-2થી હારી ગઈ હતી. આ મેચની છેલ્લી રમતમાં, બધાની નજર આયિકા મુખર્જી અને જીઓન જીહી વચ્ચેની ટક્કર પર હતી. ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે 2-2ની બરાબરી હતી અને આ દબાણની સ્થિતિમાં મુખર્જીએ જિયોનને 3-0થી હરાવીને ભારત માટે મેચ જીતી હતી.
ભારતનો મેડલ પાક્કો થયો
એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપની સેમીફાઈનલમાં પહોંચીને ભારતીય ટીમ માટે ઓછામાં ઓછું એક બ્રોન્ઝ મેડલ નિશ્ચિત થઈ ગયો છે. હવે બુધવારે સેમિફાઇનલમાં ભારતનો સામનો જાપાન અથવા સિંગાપોર સામે થશે. ગયા વર્ષની વાત કરીએ તો એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા ટીમ છઠ્ઠા ક્રમે રહી હતી. 5માં અને 6ઠ્ઠા સ્થાન માટેની મેચમાં તેને થાઈલેન્ડના હાથે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ માત્ર એક વર્ષ બાદ ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. તમને જણાવી દઈએ કે ભારતીય પુરુષ ટીમે પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.