ગુજરાતના સ્ટાર ખેલાડી હરમીત દેસાઇના શાનદાર પ્રદર્શનની મદદથી એથ્લીટ ગોવા ચેલેન્જર્સે ઇન્ડિયન ઓઇલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની પ્રથમ સેમિફાઇનલમાં પીબીજી બેંગલુરુ સ્મેશર્સને 8-4ના સ્કોરથી હરાવીને ટાઇટલ પોતાની આગેકૂચ જારી રાખી હતી. સ્મેશર્સ સામે ગોવા ચેલેન્જર્સે પોતાનો દબદબો શરૂઆતથી જ જાળવી રાખ્યો હતો.
ગોવા ચેલેન્જર્સે પ્રારંભિક લીડ મેળવી હતી. મિહાઇ બોબોસિકાએ પ્રથમ મેન્સ સિંગલ્સમાં 2-1થી (11-8, 11-7, 7-11) વિજય મેળવીને અલ્વારો રોબલ્સની અજેય સિઝનનો અંત આણ્યો હતો. યાંગજી લિયૂએ વિમેન્સ સિંગલ્સમાં વિશ્વની 25મી ક્રમાંકિત મનિકા બત્રા સામે 4-11, 11-7, 11-4થી વિજય મેળવીને ચેલેન્જર્સ માટે લીડ બેવડી કરી હતી. મિક્સ ડબલ્સમાં મનિકા તથા અલ્વારોની જોડીએ યાંગજી અને હરમની જોડીને 2-1થી હરાવી હતી. જોકે ગોવા ચેલેન્જર્સ માટે હરમીત દેસાઇએ વળતો પ્રહાર કરીને યુવા ખેલાડી જિત ચંદ્રાને 3-0થી (11-5, 11-9, 11-8) હરાવ્યો હતો. હરમીતને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.










