- ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ
- આ મેચ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રમાઇ રહી છે
- આ મેચ દરમિયાન થર્ડ અમ્પાયર લિફટમાં ફસાયા
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ મેલબોર્ન ખાતે રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 264 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં બેટિંગ કરી રહી છે. આ મેચ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત સામે આવી છે. થર્ડ અમ્પાયરના કારણે લંચ બ્રેક બાદ મેચ થોડો વિલંબ સાથે શરૂ થઈ હતી. થર્ડ અમ્પાયર લિફ્ટમાં ફસાઈ ગયા હતા. આ કારણોસર મેચ સમયસર શરૂ થઈ શકી ન હતી.
મેચ 5 મિનિટ મોડી શરૂ થઈ
તમે વરસાદ કે ઓછા પ્રકાશને કારણે મેચો બંધ થતી અથવા મોડી શરૂ થતી જોઈ અને સાંભળી હશે. પરંતુ અમ્પાયરના કારણે મેચ મોડી શરૂ થઈ હોય તેવું ભાગ્યે જ સાંભળવામાં આવ્યું હશે. આ રસપ્રદ બનાવ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલ ટેસ્ટ સીરીઝ દરમિયાન બન્યો હતો. થર્ડ અમ્પાયર રિચર્ડ લિંગવર્થ લિફ્ટમાં ફસાઈ ગયા હતા. આ કારણોસર મેચ લગભગ 5 મિનિટ મોડી શરૂ કરવોમાં આવી હતી.
થર્ડ અમ્પાયર લિફ્ટમાં ફસાયા
મેચ દરમિયાન થર્ડ અમ્પાયર લિફ્ટમાં ફસાઈ ગયાનો કિસ્સો કોમેન્ટેટર્સ દ્વારા જણાવવમાં આવ્યો હતો. આ કારણે લંચ બ્રેક બાદ મેચ થોડી મોડી શરૂ થઈ હતી. મેચ દરમિયાન ટીવી બ્રોડકાસ્ટરે કેમેરાને થર્ડ અમ્પાયરની સીટ તરફ પણ ફેરવ્યો હતો. પરંતુ તેમની સીટ ખાલી હતી. તેઓ ત્યાં પહોંચી શક્યા ન હતા. આ અંગે સોશિયલ મીડિયા પર પણ ઘણી રસપ્રદ પોસ્ટ શેર કરવામાં આવી છે.
પાકિસ્તાન 264 રન બનાવીને ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ઓલઆઉટ થવા સુધી 318 રન બનાવ્યા હતા. આ પછી ટીમ હવે બીજી ઇનિંગ રમી રહી છે. ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 4 વિકેટ ગુમાવીને 54 રન બનાવ્યા હતા. જ્યારે પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 264 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.