- ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડ ઇનિંગનો પ્રારંભ કરશે
- ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે બીજી અને ત્રીજી ટી20 મેચ રમાશે
- બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 16 ટી20 મુકાબલા રમાયા છે
ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ બુધવારથી રમાનારી ત્રણ મેચની ટી20 શ્રોણીમાં ઓસ્ટ્રેલિયાની યજમાની કરી રહી છે. વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમ ખાતે પ્રથમ મેચ રમાશે. ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે બીજી અને ત્રીજી ટી20 મેચ રમાશે.ન્યૂઝીલેન્ડ માટે મિચેલ સાન્તેનર કેપ્ટનશિપ કરશે. ટી20 ઇન્ટરનેશનલમાં બંને ટીમમાં ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 16 ટી20 મુકાબલા રમાયા છે જેમાં ઓસ્ટ્રેલિયાએ દસ તથા ન્યૂઝીલેન્ડે પાંચ વિજય હાંસલ કર્યા છે. એક મેચ ટાઇ થઈ હતી. પ્રથમ મુકાબલો સવારે 11:40 કલાકે રમાશે.
કિવિ ટીમમાં જોશ ક્લાર્કસન, રચિન રવીન્દ્ર તથા ટ્રેન્ટ બાઉલ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાઉલ્ટ લાંબા સમય બાદ ટીમમાં પાછો ફર્યો છે. તે બીજી અને ત્રીજી મેચમાં ટીમનો હિસ્સો રહેશે. ડેરિલ મિચેલ હાલમાં પગની ઈજાનો સામનો કરી રહ્યો છે. કેન વિલિયમ્સન પિતૃત્વ વેકેશન ઉપર છે. ઓલરાઉન્ડર ક્લાર્કસનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તેવી પૂરી સંભાવના છે. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડ ઇનિંગનો પ્રારંભ કરે તેવી સંભાવના છે. આ બંને જૂન મહિનામાં રમાનારા ટી20 વર્લ્ડ કપમાં પણ ઓપનિંગ કરી શકે છે. મેચ પહેલાં સુકાની મિચેલ માર્શે જણાવ્યું હતું કે ચોથા ક્રમે ગ્લેન મેક્સવેલ તથા છઠ્ઠા ક્રમે ટિમ ડેવિડે સતત સારો દેખાવ કર્યો છે અને તેમને આ ક્રમે જાળવી રાખવામાં આવશે.










