- બીજા હાફમાં પિચ વધારે સ્લો પડશે અને પેસ બોલર્સને પણ મદદ મળશે
- ઓસ્ટ્રેલિયા ભારત સામેની પ્રથમ મેચમાં હારી ગઈ હતી
- લખનઉની પિચ સામાન્ય રીતે બોલર્સ ફ્રેન્ડલી માનવામાં આવે છે
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફરિકાની ટીમો ગુરુવારે લખનઉના ઇકાના સ્ટેડિયમ ખાતે આઇસીસી વન-ડે વર્લ્ડ કપની લીગ મેચ માટે મેદાનમાં ઊતરશે ત્યારે બંને ટીમના બેટ્સમેનોની ધીમી પિચ ઉપર આકરી કસોટી થશે. ઓસ્ટ્રેલિયા ભારત સામેની પ્રથમ મેચમાં હારી ગઈ હતી પરંતુ સાઉથ આફરિકન ટીમે પ્રથમ મેચમાં શ્રીલંકા સામે શાનદાર વિજય મેળવી પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી હતી. લખનઉની પિચ સામાન્ય રીતે બોલર્સ ફ્રેન્ડલી માનવામાં આવે છે અને અહીંની પિચ ધીમી રહે છે જેના કારણે બેટ્સમેનોને બોલની લાઇનમાં જલદીથી આવીને રમવામાં તકલીફ પડે છે. મેચના બીજા ભાગમાં પિચ વધારે ધીમી પડતી હોવાના કારણે પેસ બોલર્સને પણ મદદ મળે છે.પેસ બોલર્સ પોતાના સ્ટોક બોલની સાથે કટર અને સ્લોઅર વન્સ જેવા વિવિધ વેરિએશનનો ઉપયોગ કરીને બેટ્સમેનોને આઉટ કરે છે. આ મેચનો બપોરે 2:00 વાગ્યાથી પ્રારંભ થશે.
લખનઉના ઇકાના સ્ટેડિયમમાં વધારે વન-ડે રમાઈ નથી. અત્યાર સુધી રમાયેલી ચાર વન-ડેમાં પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 220 રનનો રહ્યો છે. આ પિચ ઉપર બે વખત પ્રથમ બેટિંગ કરનાર તથા બે વખત રનચેઝ કરનાર ટીમ જીતી છે. હાઇએસ્ટ સ્કોર પાંચ વિકેટે 253 રનનો રહ્યો છે જે વેસ્ટ ઇન્ડિઝે 2019માં અફઘાનિસ્તાન સામે નોંધાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફરિકાના સુકાની માટે પિચની સમીક્ષા કરવી તથા ટોસ જીતીને કોઈ એક નિર્ણય લેવો તે ઘણું મુશ્કેલી ભર્યું રહેશે. મેચના બીજા ભાગમાં પિચ વધારે ધીમી પડવાના કારણે સ્પિનર્સ ઉપરાંત પેસ બોલર્સને પણ ફાયદો થશે. આ સ્થિતિમાં ટોસ જીતનાર સુકાની પ્રથમ બેટિંગ કરવાનું વધારે પસંદ કરશે.










