• બંને ટીમો લખનૌના ઇકાના સ્ટેડિયમમાં મેચ રમશે

  • બંને ટીમો ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી જીતની તલાશમાં છે
  • ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકનું ટૂર્નામેન્ટના ત્રણેય વિભાગોમાં કંગાળ પ્રદર્શન

પહેલી બંને મેચમાં પરાજય મળવાને કારણે નાસીપાસ થયેલી ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની ટીમો વર્લ્ડકપમાં સોમવારે જ્યારે એકબીજાની સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેમનું લક્ષ્ય એકબીજા કરતા સારો દેખાવ કરીને જીતના માર્ગે પરત ફરવાનું રહેશે. બંને ટીમો લખનૌના ઇકાના સ્ટેડિયમમાં મેચ રમશે. બંને ટીમો ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી જીતની તલાશમાં છે. ઓસ્ટ્રેલિયાએ ભારત અને દ. આફ્રિકા સામે કારમા પરાજયનો સામનો કરવો પડયો હતો જ્યારે શ્રીલંકાની ટીમ દ. આફ્રિકા અને પાક. સામે પરાજિત થઇ હતી. પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ 10 ટીમોના પોઇન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. તેનો નેટ રનરેટ -1.845 છે. શ્રીલંકા પોઇન્ટ ટેબલમાં -1.161ના નેટ રન રેટ સાથે સાતમા સ્થાને છે.

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાએ હજુ સુધીમાં ટૂર્નામેન્ટના ત્રણેય વિભાગોમાં કંગાળ પ્રદર્શન કર્યુ છે. ઓસ્ટ્રેલિયાની ખરાબ ફિલ્ડિંગ ચકિત કરી દે તેવી છે. તેણે હજુ સુધીમાં બે મેચમાં છ કેચ ગુમાવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં હજુ સુધીમાં કોઇપણ ટીમનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. તેની બોલિંગમાં પણ તે ધાર નથી જોવા મળી જેના માટે તે જાણીતું છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પણ નિષ્ફળ રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે કાંગારુ ટીમ હજુ 200 રનના સ્કોરને આંબી શકી નથી. પહેલી મેચમાં તેના બેટ્સમેનો ભારતના સ્પિનર્સ સામે ઘૂંટણીએ પડી ગયા હતા જ્યારે બીજીમાં દ. આફ્રિકાના ઝડપી બોલર્સે કાંગારુઓની બોલિંગના છોતરાં કાઢી નાખ્યા હતા.


  • Follow us on: