• નિર્ણાયક ટી20 : ભારત 6/147

  • ઓસ્ટ્રેલિયા 3/149, હિલી 55, બેથ મૂની 52*
  • ભારતીય ટીમ 2011 બાદ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમને ક્યારેય શ્રેણી પરાજય આપી શકી નથી

મુંબઇ । બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ સુકાની એલિસા હિલીએ નોંધાવેલી અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમે ત્રીજી અને નિર્ણાયક ટી20 મેચમાં ભારતને સાત વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ભારતે આપેલા 148ના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટના ભોગે 149 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ 2011 બાદ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમને ક્યારેય શ્રેણી પરાજય આપી શકી નથી. મેચના અંતે બેથ મૂની 45 બોલમાં બાવન તથા લિચફિલ્ડ 17 રને રમી રહી હતી. આસાન જણાતા ટાર્ગેટ સામે મેદાને પડેલી ઓસ્ટ્રેલિયન ઓપનર્સ સુકાની એલિસા હિલી અને બેથ મૂનીએ પ્રથમ વિકેટ માટે 85 રનની ભાગીદારી નોંધાવીને ટીમ માટે વિજયનો પાયો નાખી દીધો હતો. હિલી 39 બોલમાં 55 રન તથા તાહલિયા મેકગ્રા 20 રન બનાવીને આઉટ થઇ હતી. અગાઉ ભારત માટે ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ આક્રમક શરૂઆત કરીને પ્રથમ વિકેટ માટે 39 રન બનાવ્યા હતા. શેફાલી 17 બોલમાં છ બાઉન્ડ્રી વડે 26 રન બનાવીને આઉટ થઇ હતી. ત્યારબાદ ભારતીય ટીમે 64 રનના સ્કોર સુધીમાં સુકાની હરમનપ્રીત કૌર (3) અને રોડ્રિગુઝની (2) વિકેટ ગુમાવી દીધી હતી. હરમનપ્રીત સતત પાંચમી મેચમાં બેવડાં આંકના સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. મિડલ ઓર્ડરમાં રિચા ઘોષે 28 બોલમાં બે બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે 34 તથા અમનજોત કૌર 17 રન બનાવીને આઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયા માટે એનાબેલ સધરલેન્ડે 12 રનમાં બે તથા જ્યોર્જિયા વેરહામે 24 રનમાં બે વિકેટ ખેરવી હતી.


  • Follow us on: