- ઓસી. 174, ન્યૂઝીલેન્ડ 102, ઝમ્પા 4/34
- કમિન્સ મેન ઓફ ધ મેચ
- ઓસ્ટ્રેલિયાએ 19.5 ઓવરમાં 174 રન બનાવ્યા હતા
ઓપનર ટ્રેવિસ હેડની આક્રમક બેટિંગ બાદ બોલર્સે કરેલી શિસ્તબદ્ધ બોલિંગની મદદથી પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ બીજી ટી20 ઇન્ટરનેશનલ મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડને 72 રનથી હરાવીને ત્રણ મેચની શ્રોણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ 19.5 ઓવરમાં 174 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ન્યૂઝીલેન્ડની ટીમ 17 ઓવરમાં 102 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પેટ કમિન્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ઇનિંગમાં ટ્રેવિસ હેડે 22 બોલમાં પાંચ સિક્સર અને બે બાઉન્ડ્રી વડે સર્વાધિક 45, સુકાની મિચેલ માર્શે 26 તથા કમિન્સે 22 બોલમાં 28 રન બનાવ્યા હતા. લોકી ફર્ગ્યુસને ચાર વિકેટ ઝડપી હતી. રનચેઝ કરનાર ન્યૂઝીલેન્ડની ટીમે નબળી શરૂઆત કરી હતી અને 29 રનના સ્કોર સુધીમાં ટોચની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ગ્લેન ફિલિપ્સે 42 તથા બાઉલ્ટે 16 રન બનાવ્યા હતા. કિવિ ટીમના છ બેટ્સમેનો બેવડાં આંકનો સ્કોર પણ નોંધાવી શક્યા નહોતા. ઓસ્ટ્રેલિયા તરફથી લેગ સ્પિનર એડમ ઝમ્પાએ 34 રનમાં ચાર વિકેટ ઝડપી હતી.










