- ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે કરી નિવૃતિની જાહેરાત
- ન્યૂઝીલેન્ડ સામે તેની 146મી અને અંતિમ વન-ડે મેચ રમશે
- સુકાની પદ છોડતાની સાથે જ ચાહકોને મોટો આંચકો લાગ્યો
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન એરોન ફિન્ચે નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ન્યૂઝીલેન્ડ સામે તેની 146મી અને અંતિમ વન-ડે મેચ રમશે. પરંતુ તે આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ ચાલુ રાખશે. તેણે સુકાની પદ છોડતાની સાથે જ ચાહકોને મોટો આંચકો લાગ્યો છે.
એરોન ફિન્ચનું નિવેદન
એરોન ફિન્ચે પોતાના નિવેદનમાં કહ્યું, 'અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. હું કેટલીક શ્રેષ્ઠ ODI ટીમોનો ભાગ બનવાનું નસીબદાર રહ્યો છું. હું જેની સાથે ક્રિકેટ રમ્યો છું તે બધાના મને આશીર્વાદ મળ્યા છે અને મને સાથ મળ્યો છે.
નવા કેપ્ટનને તક આપવી જોઈએ
એરોન ફિન્ચે વધુમાં કહ્યું, 'હવે સમય આવી ગયો છે કે આગામી કેપ્ટનને તૈયારી કરવાની અને વર્લ્ડ કપ જીતવાની તક આપવામાં આવે. હું એ તમામનો આભાર માનું છું જેમણે મને આ સ્થાન સુધી પહોંચવામાં મદદ કરી. ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે એરોન ફિન્ચની કપ્તાનીમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
એરોન ફિન્ચ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે
એરોન ફિન્ચ ખૂબ જ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેની ODI ક્રિકેટમાં મોટી ઇનિંગ નથી, તેણે તેની છેલ્લી સાત ઇનિંગ્સમાં 26 રન બનાવ્યા છે. તે પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. ફિન્ચે ભારતમાં 2023માં યોજાનાર ODI વર્લ્ડ કપને તેનું લક્ષ્ય જણાવ્યું હતું, પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને નિવૃત્તિ લેવી પડી હતી.
ઓસ્ટ્રેલિયાએ ઘણી મેચ જીતી હતી
એરોન ફિન્ચે ઓસ્ટ્રેલિયા ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 145 વનડેમાં 5401 રન બનાવ્યા છે જેમાં 17 સદી સામેલ છે. તે ODI ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે ચોથો સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. રિકી પોન્ટિંગ તેના કરતા 29 સદી આગળ છે, ડેવિડ વોર્નર અને માર્ક વોએ 17-17 સદી ફટકારી છે.