- ક્રોએશિયાને 2-1થી પરાજય આપ્યો,
- નિર્ણાયક મેચમાં ઓસી.ના પુર્સેલ અને થોમ્પસન જીત્યા
- ઓસ્ટ્રેલિયાએ 2021ની રનર્સ-અપ ક્રોએશિયાને 2-1થી પરાજય આપ્યો હતો
ઓસ્ટ્રેલિયન ટીમ 2003 બાદ પ્રથમ વખત ડેવિસ કપ ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ 2021ની રનર્સ-અપ ક્રોએશિયાને 2-1થી પરાજય આપ્યો હતો. ફાઇનલમાં તેનો મુકાબલો કેનેડા અને ઇટાલી વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સામે થશે. ટાઇટલ મુકાબલો રવિવારે રમાશે. ઓસ્ટ્રેલિયાના મેક્સ પુર્સેલ અને જોર્ડન થોમ્પસને નિર્ણાયક મેચમાં 2021ની વિમ્બલ્ડન ચેમ્પિયન નિકોલ મેકટિચ અને મેટ પાવિચની જોડીને ડબલ્સ મુકાબલામાં 6-7 (3-7), 7-5, 6-4થી હરાવી હતી. ઓસ્ટ્રેલિયન સુકાની લેટન હેવિટ્ટે નિર્ણાયક મેચમાં પુર્સેલને થોમ્પસન સાથે જોડી બનાવીને કોર્ટમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો અને તેનો આ જુગાર સફળ રહ્યો હતો.
લેટન હેવિટ્ટ 2003માં ડેવિસ કપનું ટાઇટલ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમનો સભ્ય હતો. પ્રથમ મેચમાં ક્રોએશિયાના 26મા ક્રમાંકિત બોર્ના કોરિચે ઓસ્ટ્રેલિયાના થનાસી કોકીનાકિસને 92 મિનિટ સુધી રમાયેલી મેચમાં 6-4, 6-3થી હરાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનોરે ક્રોએશિયાના મારિન સિલિચને 6-2, 6-2થી હરાવીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો.










