• જોકોવિચે કારકિર્દીનું 22મું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીત્યું
  • સ્પેનના સ્ટાર ખેલાડી રફેલ નાદાલના રેકોર્ડને સરભર કર્યો
  • જોકોવિચે સિત્સિપાસને 6-3, 7-6, 7-6થી હરાવ્યો

વિશ્વના ચોથા ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં સિત્સિપાસને 6-3, 7-6, 7-6થી હરાવી કારકિર્દીનું 22મું ગ્રાન્ડસ્લેમ જીત્યું હતું. જોકોવિચ કારકિર્દીમાં ઓવરઓલ 33મી ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં શાનદાર જીત મેળવી મહાન ખેલાડી નડાલના સૌથી વધુ 22 ગ્રાન્ડસ્લેમની બરાબરી કરી હતી.

https://twitter.com/AustralianOpen/status/1619663522593644550

સેમિફાઇનલમાં ટોમી પોલને હરાવ્યો

જોકોવિચે સેમિફાઇનલમાં અમેરિકાના બિનક્રમાંકિત ટોમી પોલને બે કલાક 20 મિનિટ સુધી સંઘર્ષ કર્યા બાદ 7-5, 6-1, 6-2થી હરાવ્યો હતો. અંતિમ-4ના મુકાબલામાં સર્બિયન ખેલાડીએ માત્ર આઠ ગેમ ગુમાવી હતી. સર્બિયન ખેલાડી 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે. આ પહેલાં તે નવ વખત ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચ્યો હતો અને તે આ તમામમાં ચેમ્પિયન બન્યો હતો. જોકોવિચ કારકિર્દીમાં ઓવરઓલ 33મી ગ્રાન્ડસ્લેમ ફાઇનલ રમશે.


સિત્સિપાસે બીજી વખત ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં

મેન્સ સિંગલ્સની પ્રથમ સેમિફાઇનલમાં સિત્સિપાસે રશિયાના કારેન ખાચાનોવને 7-6 (2), 6-4, 6-7 (6), 6-3થી હરાવ્યો હતો અને તેણે બીજી વખત કોઈ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ કારકિર્દીમાં પ્રથમ વખત મેજર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાનું ખાચાનોવનું સ્વપ્ન ચકનાચૂર થયું હતું. મેન્સ સિંગલ્સમાં જોકોવિચ બાદ રોજર ફેડરર હાઇએસ્ટ 31 તથા નાદાલ 30 ફાઇનલ રમ્યો છે.