- અમારી ટીમ વર્લ્ડ કપ મેચમાં ભારતને હરાવવા માંગે છેઃ બાબર
- ટીમનું ધ્યાન બાકીની મેચોમાં સારું પ્રદર્શન કરી વર્લ્ડ કપ જીતવા પર છે
- બાબરઃ PCBમાં શું થઈ રહ્યું છે તેના પર અમે ધ્યાન આપતા નથી
ODI વર્લ્ડ કપની સૌથી બ્લોકબસ્ટર મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે આ મેચને લઈને મોટું નિવેદન આપ્યું છે. બાબરે કહ્યું કે માત્ર ભારત સામે જીતવું તેમની ટીમનું લક્ષ્ય નથી.
ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આ વખતે વર્લ્ડકપ ભારતની ધરતી પર 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાવાનો છે. ભારત પ્રથમ વખત વિશ્વ કપનું આયોજન કરી રહ્યું છે. અગાઉ તેણે સંયુક્ત રીતે 1987, 1996 અને 2011 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. આ ટૂર્નામેન્ટની સૌથી બ્લોકબસ્ટર મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે આ મેચને લઈને મોટું નિવેદન આપ્યું છે. બાબરે કહ્યું કે તેમની ટીમ વર્લ્ડ કપ મેચમાં ભારતને હરાવવા માંગે છે, પરંતુ તેનું ધ્યાન બાકીની મેચોમાં પણ સારું પ્રદર્શન કરીને વર્લ્ડ કપ જીતવા પર છે.
અમે માત્ર ભારત સાથે રમવાના નથીઃ બાબર
બાબર આઝમે કહ્યું, 'અમે વર્લ્ડ કપમાં માત્ર ભારત સામે રમવાનું અને જીતવાનું વિચારી રહ્યા નથી. જો અમારે આઈસીસીનો ખિતાબ જીતવો હોય તો અમારે દરેક મેચમાં સારો દેખાવ કરવો પડશે, અમે તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે માત્ર ભારત સાથે નહીં પણ ભારતમાં વર્લ્ડ કપ રમવાના છીએ. પાકિસ્તાન ICC ટૂર્નામેન્ટ માટે ભારતનો પ્રવાસ કરે તેવી અપેક્ષા છે, જોકે તેમની ભાગીદારી સરકારની મંજૂરીને આધીન છે. બાબરે કહ્યું કે ખેલાડીઓ સીરિઝ માટે સતત તૈયારી કરી રહ્યા છે. બાબરનું માનવું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં ચાલી રહેલી ઉથલપાથલથી ICC ODI વર્લ્ડ કપ અને તેની પહેલાની સીરિઝમાં રાષ્ટ્રીય ટીમના પ્રદર્શનને અસર નહીં થાય.
અમારું સંપૂર્ણ ધ્યાન માત્ર ક્રિકેટ પર છેઃ બાબર
જ્યારે પીસીબીના અધિકારીઓ અને પસંદગી સમિતિમાં તાજેતરના ફેરફારોની ખેલાડીઓ પર અસર વિશે પૂછવામાં આવ્યું ત્યારે બાબરે કહ્યું કે તેમનું કામ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. બાબર કહે છે, 'PCBમાં શું થઈ રહ્યું છે તેના પર અમે ધ્યાન આપતા નથી. અમે માત્ર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આગામી મેચોનું સમગ્ર શેડ્યૂલ અમારી સામે છે અને અમે જાણીએ છીએ કે આ મેચો જીતવા માટે પ્રોફેશનલ ખેલાડીઓ તરીકે અમારે શું કરવાની જરૂર છે.
બીજી તરફ પાકિસ્તાને વર્લ્ડ કપને લઈને નવો પેંતરો શરૂ કર્યો છે. પાકિસ્તાન વર્લ્ડ કપ પહેલા એક સુરક્ષા પ્રતિનિધિમંડળ ભારત મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ સુરક્ષા પ્રતિનિધિમંડળ એ પાંચ શહેરોમાં જશે જ્યાં પાકિસ્તાને તેની લીગ મેચો રમવાની છે. જો કે, એ જોવાનું રહેશે કે ભારત સરકાર તે પ્રતિનિધિમંડળને ભારત આવવાની પરવાનગી આપે છે કે નહીં.
વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમનું સંપૂર્ણ શેડ્યૂલ
- 6 ઓક્ટોબર vs ક્વોલિફાયર 1, હૈદરાબાદ
- 12 ઓક્ટોબર vs ક્વોલિફાયર 2, હૈદરાબાદ
- 15 ઓક્ટોબર vs ભારત, અમદાવાદ
- 20 ઓક્ટોબર vs ઓસ્ટ્રેલિયા, બેંગલુરુ
- 23 ઓક્ટોબર vs અફઘાનિસ્તાન, ચેન્નાઈ
- 27 ઓક્ટોબર vs દક્ષિણ આફ્રિકા, ચેન્નાઈ
- 31 ઓક્ટોબર vs બાંગ્લાદેશ, કોલકાતા
- 4 નવેમ્બર vs ન્યુઝીલેન્ડ, બેંગલુરુ
- 12 નવેમ્બર vs ઈંગ્લેન્ડ, કોલકાતા