- પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ ફોર્મમાં નથી
- બાબર આઝમની ભૂલની કિંમત આખી ટીમની ચૂકવવી પડી
- બાબર આઝમના કારણે પાકિસ્તાનને 52 રનનું નુકસાન થયું
પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમનો સિતારો આ દિવસોમાં ઘટી રહ્યો છે. ગયા વર્ષ સુધી તે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો.પરંતુ આ વર્ષે તેને સતત નિરાશા મળી રહી છે. T20 વર્લ્ડકપ 2024ની નિષ્ફળતા બાદ ટેસ્ટ સિરીઝની શરૂઆત પણ તેમના માટે ઘણી ખરાબ રહી છે. જ્યારે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં તેનું બેટ સંપૂર્ણ રીતે શાંત રહ્યું હતું, ત્યારે તેણે એક એવું કામ કર્યું કે જેની કિંમત આખી પાકિસ્તાની ટીમને ચૂકવવી પડી હતી. બાબરે એવી તક ગુમાવી, જેના કારણે પાકિસ્તાનને 52 રનનું નુકસાન થયું હતું.
બાબર આઝમે ટીમને નુકસાન પહોંચાડ્યું
રાવલપિંડીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે પાકિસ્તાનના 448 રનના જવાબમાં બાંગ્લાદેશે તેની પ્રથમ ઇનિંગમાં મજબૂત શરૂઆત કરી હતી. મેચના ચોથા દિવસે શનિવારે બાંગ્લાદેશે પાકિસ્તાની ફાસ્ટ બોલરોની બચેલી હિંમતને પરાસ્ત કરી હતી અને આમાં બાંગ્લાદેશના સ્ટાર બેટ્સમેન મુશફિકુર રહીમે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટને ચોથા દિવસે 54 રનથી આગળ રમતા રમતા શાનદાર સદી ફટકારી હતી. તેની સદીના આધારે બાંગ્લાદેશે પાકિસ્તાનના પ્રથમ દાવના સ્કોર 448 રનને પાર કરી દીધો હતો, હવે આવી સ્થિતિમાં પાકિસ્તાની ટીમ દરેક તકની શોધમાં હતી, જે તેને સરળતાથી મળી ન હતી.
પછી જ્યારે પાકિસ્તાનને તક મળી તે સરળતાથી ગુમાવી દીધી હતી. આ ભૂલનો ગુનેગાર બાબર આઝમ હતો, જે માત્ર બેટથી જ નિષ્ફળ ગયો પરંતુ ફિલ્ડિંગમાં પણ નિરાશ કર્યા હતા. આ બધું બાંગ્લાદેશની ઇનિંગ્સની 142મી ઓવરમાં થયું, જ્યારે પાર્ટ ટાઇમ સ્પિનર બોલિંગ કરી રહ્યો હતો. મુશ્ફિકુરે તેની ઓવરનો ચોથો બોલ લેગ સાઇડ તરફ ફેરવ્યો પરંતુ બાબર લેગ સ્લિપ પર હતો, જ્યાં તેને એક સરળ કેચ પડતો મૂક્યો હતો. તે સમયે મુશફિકુર રહિમ 149 રન પર હતો અને ત્યારબાદ તેના સ્કોરમાં 52 રન ઉમેર્યા બાદ અંતે તે 191 રન બનાવીને આઉટ થયો હતો.
મોહમ્મદ રિઝવાને પણ ગુમાવી તક
હવે જો તે સમયે બાબર આઝમે તે કેચ લીધો હોત તો પાકિસ્તાની ટીમ બાંગ્લાદેશના બાકીના બેટ્સમેનોને ઝડપથી આઉટ કરી શકી હતો. બાબર જ નહીં, વિકેટકીપર મોહમ્મદ રિઝવાને પણ મેહદી હસન મિરાજનો કેચ છોડ્યો હતો. તે સમયે મિરાજે પોતાના 50 રન પૂરા કર્યા હતા. આ પછી તેણે પોતાના સ્કોરમાં 27 રન પણ ઉમેર્યા અને 77 રન બનાવીને આઉટ થયો હતો. એકંદરે, બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 565 રન બનાવ્યા હતા અને 117 રનની લીડ લીધી હતી, જેમાં આ બે છોડેલા કેચનું પણ યોગદાન હતું.